ઉપર એક્સિડેન્ટ ને નીચે કિયા સળગીઃ ભચાઉ ચોપડવા બ્રિજ પર અડધો કિ.મી. સુધી આગ હી આગ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં આજે બપોરે બાર વાગ્યાના સુમારે ચોપડવા ઓવરબ્રિજ પર પેરાફીન ભરેલાં જ્વલનશીલ ટેન્કરને પાછળથી ટ્રેલરે ટક્કર મારતાં ટેન્કરમાં ગાબડું પડી જતાં મોટાપાયે રોડ પર પેરાફીન વહી ગયું હતું. ટક્કર બાદ ટ્રેલર પલટી ગયું હતું.
Video :
બીજી તરફ, એ જ સમયે નીચે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક કિયા કારમાં અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી. કારમાં લાગેલી આગની જ્વાળા સંભવતઃ ઓવરબ્રિજ પર ઢોળાયેલાં જ્વલનશીલ પેરાફીન સુધી પહોંચતાં જોતજોતામાં અડધો કિલોમીટરનો રોડ આગમાં લપેટાઈ ગયો હતો.
ગણતરીની મિનિટોમાં સર્જાયેલાં આ વિચિત્ર અકસ્માતોના પગલે વાહનચાલકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઈ હતી. સદભાગ્યે રોડ પર આગ લાગી તે અગાઉ ટેન્કરને ઓવરબ્રિજ નીચે ઉતારી લેવાયું હોઈ મોટી દુર્ઘટના ટળી હતી. દુર્ઘટના અંગે જાણ થતાં ભચાઉ ફાયર બ્રિગેડે સ્થળ પર ધસી જઈને ૬૦ લીટર કેમિકલ ફોમ સાથે ૯ હજાર લીટર પાણીનો મારો કરીને સર્વિસ રોડ પર રહેલી કાર અને ઓવરબ્રિજના રોડ પર લાગેલી આગ બે કલાકે કાબૂમાં લીધી હતી.
કચ્છના ઈન્ચાર્જ મુખ્ય સરકારી વકીલની કાર સળગી ગઈ
કચ્છના ઈન્ચાર્જ મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં તેમના પત્ની અને પુત્ર સહિત કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ધ્રાંગધ્રાના મેથાણ ગામ નજીક દુર્ઘટના ઘટી હતી. જાડેજાએ જણાવ્યું કે તેમના સાઢુભાઈનું નિધન થતાં પરિવારજનો ટાટા નેક્સન કાર લઈ મેથાણ જવા નીકળ્યાં હતાં. અચાનક કારમાં આગ લાગી હોવાનો અંદાજ આવતાં ત્રણે જણ ફટાફટ કારમાંથી બહાર નીકળી ગયાં હતાં. એકાદ મિનિટ બાદ કારના તમામ દરવાજા ઑટો લૉક થઈ ગયેલાં અને જોતજોતામાં કાર સૌની નજર સમક્ષ સળગી ગઈ હતી. એક વર્ષ અગાઉ જ તેમણે આ ડીઝલ કાર ખરીદી હતી.