કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ મીડિયા પર સસ્તાં સોનાના નામે દેશભરના લોકો સાથે છેલ્લાં પાંચ વર્ષથી લાખ્ખો રૂપિયાની ઠગાઈ અને લૂંટ આચરતાં ભુજના પિતા પુત્રોની ત્રિપુટી સહિત ચાર રીઢા શખ્સો પર પશ્ચિમ કચ્છ પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. કચ્છમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આ ઠગભગતો સિન્ડીકેટ બનાવીને નિર્દોષ લોકો સાથે ગુના આચરી રહ્યાં છે. ધરપકડ બાદ જામીન પર છૂટીને ફરી ફરીને આ જ ગુના આચરે છે. લોકો સાથે ઠગાઈ કરવી તે જ તેમની આજીવિકા બની ગઈ છે. રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી વિકાસ સુંડાએ આવી ઠગ ટોળકી સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ ઠગ ટોળકી સામે નોંધાયેલાં ગુનાઓની વિગતો એકત્ર કરીને તેમની સામે ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
LCB PI સંદિપસિંહ ચુડાસમાએ સિકંદર ઊર્ફે સિકલો ઊર્ફે મૌલાના S/o જુસબ ઈસ્માઈલ સોઢા, મહમદ હનીફ ઊર્ફે મીઠીયો ઊર્ફે મીઠુ S/o નુરમામદ સોઢા અને તેના બે પુત્રો ઝાકીર ઊર્ફે ઝાકીરીયો અને અમીન (તમામ રહે. રહીમનગર, ખારી નદી રોડ, ભુજ) વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.
સિકલા સામે ભુજ એ અને બી ડિવિઝન, માનકૂવા, પોરબંદર, ડાંગ આહવા સહિતના પોલીસ મથકોમાં ૧૦ ગુના નોંધાયેલાં છે. મીઠીયા સામે ભુજ, માંડવી અને માધાપરમાં ત્રણ ગુના, તેના પુત્ર ઝાકીર સામે ત્રણ અને અમીન સામે બે ગુના નોંધાયેલાં છે. કામગીરીમાં પીઆઈ ચુડાસમા સાથે પીએસઆઈ એચ.આર. જેઠી, એએસઆઈ જયેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ગોહિલ, સંજયદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ મહિપાલ પુરોહિત, શક્તિ ગઢવી વગેરે જોડાયાં હતાં.
સિકલો હાલ ચીટીંગના ગુનામાં પાલારા જેલમાં જ્યુડીસિયલ કસ્ટડીમાં કેદ છે. મીઠીયા અને તેના બે પુત્રોની ધરપકડ કરવા એલસીબીએ તજવીજ હાથ ધરી છે.
માંડવી પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર ગઢવીબંધુઓ સામેના ગુનામાં ગુજસીટોકની કલમો ઉમેરાયા બાદ પશ્ચિમ કચ્છમાં ગુજસીટોક હેઠળ આ પહેલો સ્વતંત્ર ગુનો નોંધાયો છે.
Share it on
|