કચ્છખબરડૉટકોમ, ભુજઃ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વિવિધ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના અકાળે મૃત્યુ નીપજ્યાં છે. ભુજના નાના અને મોટા વરનોરા ગામના રોડ પર સામેથી આવતી ઈસુજુ કારે બાઈક ચાલકને ટક્કર મારતાં ઝીંકડી ગામના યુવકનું અકાળે મોત નીપજ્યું છે. મરણ જનાર કરમણ નારણભાઈ ખાસા (આહીર) નામના યુવકનું ગંભીર ઈજાથી સારવાર પૂર્વે મૃત્યુ નીપજ્યું છે. દુર્ઘટના શનિવારે સાંજે સવા ૭ના અરસામાં ઘટી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ રણછોડે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ♦કંડલા પોર્ટની જેટી નંબર ૩ નજીક કોલસા ભરેલાં ડમ્પરની ટક્કરે બાઈકચાલક યુવકનું માથું છુંદાઈ જતાં તેનું સ્થળ પર તત્કાળ મૃત્યુ નીપજ્યું છે. દુર્ઘટના રવિવારે બપોરે ૩.૧૫ના અરસામાં ઘટી હતી. મરણ જનાર ૨૭ વર્ષિય અજીત અરુણ કૌલ (રાવત) (રહે. મધ્યપ્રદેશ) તેના પિતા અરુણ કૌલ સાથે કંડલામાં ઠેકેદાર પાસે કોલસાની બોરીઓ ભરવાની મજૂરી કરતો હતો. બપોરે ચા લેવા માટે ઠેકેદારનું બાઈક લઈ નીકળ્યો હતો ત્યારે ડમ્પર નીચે ચગદાઈ ગયો હતો.
♦અંજારમાં માર્ગ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નીપજ્યાં હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયાં છે. અંજાર મુંદરા હાઈવે પર ચાંદ્રોડા ગામના પાટિયા પાસે આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં ટ્રેક્ટરની ટક્કરે બાઈકચાલક હર્ષ કિશનભાઈ જીંજીયા (મહેશ્વરી) (રહે. પૂનમ સોસાયટી, સેક્ટર- ૭, ગાંધીધામ)નું માથામાં ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. હર્ષ સવારે બાઈક લઈને મુંદરા જવા નીકળેલો ત્યારે ટ્રેક્ટર ચાલકે અચાનક રોડ ક્રોસ કરતાં દુર્ઘટના સર્જાઈ હતી.
♦અંજારની ડીવી હાઈસ્કુલ પાછળ ક્રિષ્નાકૃપા સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષિય જીવરામ કાતરીયા જ્યુપીટર મોપેડ પર તેમના ૮૦ વર્ષિય પિતા મેઘજીભાઈને બેસાડીને દેવદર્શને લઈ જતો હતો ત્યારે ચિત્રકૂટ સર્કલ નજીક જખાદાદાના મંદિર સામેના રોડ પર બેકાબૂ બનીને બાઈકચાલકે તેમને ટક્કર મારેલી. દુર્ઘટનામાં બાઈકચાલક રવિ નરેશ મહેશ્વરી (નાગલપર), જીવરામ અને તેના પિતા મેઘજીભાઈને ગંભીર ઈજાઓ થયેલી. એક્સિડેન્ટનો બનાવ ૩૦ ઓક્ટોબર સવારે ૧૧ના અરસામાં બનેલો. ગંભીર રીતે ઘાયલ જીવરામે ૧૭ નવેમ્બરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાયમ માટે આંખો મીંચી દીધી હતી. દુર્ઘટનામાં ૮૦ વર્ષિય પિતાને થાપા અને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું. પોલીસે મેઘજીભાઈના ઘેર જઈને તેમનું બયાન દર્જ કરી બાઈકચાલક રવિ મહેશ્વરી વિરુધ્ધ ફરિયાદ નોંધી છે.
Share it on
|