કચ્છખબરડૉટકોમ, કંડલાઃ દિલ્હીની પેઢીએ મિસ ડિક્લેરેશન કરીને કંડસા સેઝમાં ઈમ્પોર્ટ કરેલો કાળા મરીનો જથ્થો લુધિયાણા ડીઆરઆઈએ જપ્ત કર્યા બાદ આ પેઢીએ હાઈકૉર્ટની શરતો મુજબ મરીનો જથ્થો મુક્ત કરાવવા રજૂ કરેલી બેન્ક ગેરન્ટી/બોન્ડ નકલી નીકળ્યા છે! આ મામલે છ મહિના બાદ કંડલા સેઝસ્થિત કસ્ટમના એસેસમેન્ટ ઑફિસરે દિલ્હીની પેઢીના સંચાલક સમીર કિશોરકમલ અરોરા સામે આજે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોર્જરીની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. લુધિયાણા DRIએ મરીનો જથ્થો સીઝ કરેલો
દિલ્હીની કથબર્ટ વિન LLP નામની પેઢીએ ફેબ્રુઆરી ૨૦૨૩માં દુબઈથી કાળા મરીનો જથ્થો આયાત કરીને કંડલા સેઝમાં આવેલા મેસર્સ આદિત્ય એક્સપોર્ટસના વેરહાઉસમાં સ્ટોર કર્યો હતો. કસ્ટમ ડ્યુટીની છૂટછાટનો ગેરલાભ લેવાના હેતુથી દિલ્હીની આ કંપનીએ ચોપડા પર કાળા મરીની ‘કન્ટ્રી ઑફ ઓરિજીન’ દુબઈના બદલે અફઘાનિસ્તાન હોવાનું જણાવ્યું હતું. આ કૌભાંડની ગંધ છેક લુધિયાણામાં બેસેલાં ડીઆરઆઈ અધિકારીઓને આવી જતાં તેમણે એપ્રિલમાં કંડલા સેઝમાં ત્રાટકીને વેરહાઉસમાં રહેલો કાળા મરીનો જથ્થો જપ્ત કરી સઘન તપાસ હાથ ધરી હતી.
ઓક્ટોબરમાં હાઈકૉર્ટે મરીનો જથ્થો સશર્ત છોડવા હુકમ કરેલો
ડીઆરઆઈએ જપ્ત કરેલો મરીનો જથ્થો છોડાવીને તેને ભારતની સ્થાનિક બજાર (ડોમેસ્ટિક ટેરીફ એરિયા)માં વેચવા દેવા માટે ગુજરાત હાઈકૉર્ટમાં અરજી કરાયેલી. હાઈકૉર્ટે ૧૮-૧૦-૨૦૨૩ના રોજ ડીફરન્શિયલ ડ્યુટીની ત્રીસ ટકા રકમની બેન્ક ગેરન્ટી કસ્ટમમાં રજૂ કરવાની શરતે મરીનો જથ્થો મુક્ત કરવા હુકમ કર્યો હતો.
કૉર્ટના હુકમના દસ માસ બાદ ઠગભગત અચાનક જાગ્યો
હાઈકૉર્ટના હુકમના દસ મહિના સુધી દિલ્હીની કંપનીએ માલ છોડાવવા કોઈ તસ્દી લીધી નહોતી. અચાનક ૨૭-૦૮-૨૦૨૪ના રોજ આદિત્ય એક્સપોર્ટના પાર્ટનર મેહુલ પૂજારાએ માલ છોડાવવા માટે મુંબઈની બેન્ક ઑફ બરોડાએ જારી કરેલી ત્રણ બેન્ક ગેરન્ટીના લેટર કંડલા સેઝ કસ્ટમને ઈ-મેઈલ કર્યાં હતાં. બે દિવસ બાદ મેહુલ પૂજારા રૂબરૂ કસ્ટમ ઑફિસે આવેલો અને માલ છોડાવવા માટે તેણે ત્રણ બેન્ક ગેરન્ટી/બોન્ડ કસ્ટમ ઑફિસમાં રજૂ કર્યાં હતાં. આ બેન્ક ગેરન્ટી/બોન્ડ દિલ્હીની કથબર્ટ વિન LLPના માલિક સમીર કિશોરકમલ અરોરાના નામે જારી કરાયાં હતા, જેમાં દિલ્હીના એડવોકેટ કમ નોટરી રાજકુમારે તેને સાચાં તરીકે પ્રમાણિત કર્યાં હતાં.
કસ્ટમની તપાસમાં બેન્ક ગેરન્ટી નકલી હોવાનું પૂરવાર
કસ્ટમે તે જ દિવસે ત્રણે બેન્ક ગેરન્ટી અંગે મુંબઈની બેન્ક ઑફ બરોડામાં ખરાઈ કરતાં બેન્ક મેનેજરે જણાવ્યું હતું કે તેમણે સમીર અરોરાના નામે આવી કોઈ બેન્ક ગેરન્ટી જારી કરી જ નથી.
દિલ્હીના વકીલ રાજકુમારે પણ તેના નામની સહી અને સ્ટેમ્પ ખોટાં હોવાનું જણાવી ખુલાસો કર્યો હતો કે સ્ટેમ્પમાં જે નંબર પ્રિન્ટ થયેલો છે એ નંબર તો હકીકતે તેના નોટરી ઈન્ટરવ્યૂનો રૉલ નંબર છે!
આમ, સમીર અરોરાએ બેન્ક ગેરન્ટીના નકલી કાગળિયા તૈયાર કરીને વધુ એકવાર કસ્ટમની આંખમાં ધૂળ નાખવા પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ થયું છે. આંતરિક વિભાગીય મંજૂરીની પ્રક્રિયાના અંતે આજે કસ્ટમે સમીર અરોરા સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
જપ્તીના થોડાં જ દિવસમાં ૬૯.૫૦ લાખના મરી ચોરાઈ ગયેલાં
ડીઆરઆઈએ કાળા મરીનો જથ્થો જે ગોડાઉનમાં સીઝ કર્યો હતો તે ગોડાઉનમાંથી ૬૯.૫૦ લાખના મૂલ્યની કાળા મરીની ૨૭૮ બોરી ચોરાઈ ગઈ હતી. આ અંગે આદિત્ય એક્સપોર્ટસના પાર્ટનર પંકજ કરસન ઠક્કરે ૦૬-૦૭-૨૦૨૩ના રોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં લખાવાયું હતું કે એપ્રિલમાં લુધિયાણા ડીઆરઆઈએ માલ જપ્ત કર્યાંના થોડાંક દિવસો બાદ ૨૪-૦૪-૨૦૨૩ના રોજ બે તસ્કરો ગોડાઉનની પાછલી સાઈડથી પ્રવેશ્યાં હતાં. વક્રતા એ છે કે ફરિયાદી પંકજ ઠક્કર એ જ છે કે જે એક વર્ષ બાદ મુંદરાના પોણા ચાર કરોડના સોપારી સ્મગલિંગકાંડનો મુખ્ય આરોપી બન્યો હતો! સમગ્ર ઘટનાક્રમ ઘણો સૂચક છે.
Share it on
|