કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કંડલા નજીક તુણા બંદરે નિર્માણ પામી રહેલી નવી જેટી અંતર્ગત સરખા હિસ્સે મળેલાં તાર ફેન્સીંગના કોન્ટ્રાક્ટ મામલે બે લેબર કોન્ટ્રાક્ટરો અને તેમના સમર્થકો વચ્ચે ઘાતક હથિયારો સાથે હિંસક ધિંગાણું ખેલાતાં આઠેક જણાં ઘવાયાં છે. બંને પક્ષે એકમેક વિરુધ્ધ કુલ ૧૩ જણ સામે આપેલી ફરિયાદ નોંધી કંડલા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે. તુણા રહેતા કાસમ મામદ મથડાએ હાસમ આમદ સોઢા, તેના ભાઈ વસીમ, અસગર અયુબ જુણેજા, ગની અયુબ જુણેજા, તાલીબ અસગર જુણેજા, સલીમ ગની જુણેજા અને ઝુબેર હારુન પટેલ સામે ગેરકાયદે ટોળકી બનાવી, એકસંપ થઈ સમાન હેતુથી ધારિયા, તલવાર, લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારોથી ખૂની હુમલો કરી પોતાની સ્કોર્પિયો કારમાં તોડફોડ કરવા સબબ ફરિયાદ નોંધાવી છે.
ગત સાંજે પોણા પાંચના અરસામાં તુણા નજીક બનાવ બન્યો હતો. કાસમે જણાવ્યું કે તેને અને આરોપી હાસમ સોઢાને તાર ફેન્સીંગમાં પચાસ પચાસ ટકાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
સોમવારે સવારે હાસમ અને તેના ભાઈ વસીમે સાઈટ પર ફેન્સીંગ કરી રહેલા કાસમના મજૂરોને અટકાવીને કામ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ સાંજે લાલ રંગની સ્વિફ્ટ અને લાલ રંગની સીલેરીયો કારમાં આવેલા હાસમ અને તેના ભાઈ સહિતના સાગરીતોએ ‘તને આ કામ નહીં કરવા દઈએ’ કહીને હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી કાસમ, તેના ભાઈ સલીમ, ફરિયાદીના બનેવી અનવર સુમાર ગાધ, હુસેન ભટ્ટી, મુસ્તાક મથડાને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બીજી તરફ, હાસમના ભાઈ વસીમ સોઢાએ કાસમ સહિતના છ જણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
કાસમ મથડા, તેના ભાઈ સલીમ મથડા, અનવર ગાધ, અનવરના પુત્ર કલિયો, જમુડો મથડા અને મુસ્તાક અબ્દુલ મથડાએ સ્કોર્પિયો કારમાં પોતાની ઑફિસે આવીને, ધારિયા, પાઈપ, ધોકાથી હુમલો કરી પોતાને તથા પોતાના ભાઈ હાસમ સોઢા અને ગની જુણેજાને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું લખાવ્યું છે.
સલીમે ફરિયાદીના પગ પર સ્કોર્પિયો કાર ચઢાવીને ડાબો પગ ભાંગી નાખ્યો હોવાનો તથા ગનીને પણ કારથી ટક્કર મારી ઘાયલ કર્યો હોવાનું લખાવાયું છે.
Share it on
|