કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પંડિત દિનદયાળ કંડલા પોર્ટ ખાતે ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ શરૂ થવાની દિશામાં આજે એક મહત્વનું કદમ આગળ વધ્યું છે. હાઈડ્રોજનના ઉત્પાદન માટે આવશ્યક કોમ્પોનન્ટ એવા ઈલેક્ટ્રોલાઈઝર્સ હજીરાના L&T હાઈડ્રોજન પ્લાન્ટથી કંડલા આવવા રવાના થયા છે. શિપીંગ મિનિસ્ટર સર્બાનંદા સોનોવાલે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સીંગ મારફતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે શિપીંગ મંત્રાલયના સેક્રેટરી ટી.કે. રામચંદ્રન, પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘ, L&T ગ્રીન એનર્જીના વાઈસ પ્રેસિડેન્ટ ડેરેક એમ. શાહ ઉપસ્થિત રહ્યાં હતા અને ગાંધીધામ કંડલા ખાતે ઉપસ્થિત પોર્ટના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ આ ક્ષણના વરચ્યુઅલ સાક્ષી બન્યાં હતાં.
કંડલામાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ શરૂ કરવાનો આ છે હેતુ
દેશમાં ઊર્જા સંક્રાતિ અને નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનના હેતુને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત DPA ખાતે ૧ મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. DPA કંડલાનો ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકાસ કરવાના હેતુથી ત્રણ માસ અગાઉ ડિસેમ્બરમાં શિપીંગ મંત્રાલયે આ પ્લાન્ટ સ્થાપવા નિર્ણય કર્યો હતો.
પ્લાન્ટની ક્ષમતા ભવિષ્યમાં દસ મેગાવોટ સુધી વિસ્તારી શકાશે.
આ પ્લાન્ટનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઇજનેરો અને ટેકનિશિયનોને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ અને હેન્ડલીંગની પ્રક્રિયા અંગે પાયાનો અનુભવ અને જ્ઞાન મળવા સાથે પોર્ટના ઓપરેશનલ ફ્રેમવર્કમાં રહીને નવા ઈનોવેશન અને ટેકનિકલ કૌશલ્યને ઉત્તેજન આપવાનો છે.
આગામી ત્રણ માસમાં પ્લાન્ટ સંપૂર્ણ રીતે થશે કાર્યાન્વિત
L&T હજીરા ખાતે એકાદ વર્ષ અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. હજીરાના પ્લાન્ટમાં નિર્મિત ઈલેક્ટ્રોલાઈઝરને કંડલાના પ્લાન્ટમાં એસેમ્બલ કરીને DPA આગામી ત્રણ માસની અંદર જૂલાઈ ૨૦૨૫ સુધીમાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત કરી દેવા તત્પર છે.
L&Tએ હજીરાસ્થિત પ્લાન્ટમાં ફક્ત ત્રણ માસના વિક્રમી સમયમાં એક મેગાવોટ ઈલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કર્યું છે. કંડલા પ્લાન્ટમાં પ્રતિ કલાકે ૧૮ કિલોગ્રામ સાથે વર્ષે ૮૦-૯૦ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાનું DPAનું લક્ષ્ય છે.
આ પ્લાન્ટ સાથે જ સ્વદેશી ધોરણે ઉત્પાદિત ઈલેક્ટ્રોલાઈઝર્સનો ઉપયોગ કરીને ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપનારું DPA કંડલા પોર્ટ દેશનું સૌપ્રથમ મહાબંદર બની જશે. ગ્રીન હાઈડ્રોજનમાં ફ્યુઅલ સેલ્સ થકી ગ્રીન એનર્જી ઉત્પાદિત કરીને પોર્ટ ઓપરેશન્સમાં તેનો વિનિયોગ કરાશે.
ભવિષ્યમાં આ પ્લાન્ટમાં કેટલાંક મોડ્યુલ્સ ઉમેરીને ગ્રીન એમોનિયાનું ઉત્પાદન શરૂ કરવાનું પણ DPAનું આયોજન છે.
વૈશ્વિક સ્તરે હરિત ઊર્જાના ક્ષેત્રે ભારતનું સ્થાન વધુ સુદ્રઢ કરવામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં અને ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો એમિસન (શૂન્ય ઉત્સર્જન)નો સંકલ્પ સાકાર કરવામાં આ પ્લાન્ટ મદદરૂપ બની રહેશે તેમ પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ ઉમેર્યું હતું.
Share it on
|