આદિપુરના ટાગોર રોડ પર STની બેફામ વોલ્વો બસે બે વાહન અડફેટે લેતાં યુવતીનું મોત
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ રાજકોટમાં સીટી બસની ટક્કરે ચાર લોકોના મોત થયાં હોવાની ઘટના વચ્ચે આદિપુરમાં ટાગોર રોડ પર બેફામ જતી એસટીની ભુજ રાજકોટ રૂટની વોલ્વો બસે બે દ્વિચક્રી વાહનોને ટક્કર મારી કૉલેજીયન યુવતીનું મોત નીપજાવ્યું છે.
Video :
આજે બપોરે બે વાગ્યે ટાગોર રોડ પર જનતા પેટ્રોલ પંપ સામેના રોડ પર દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર રીતુ સાધુપલ્લી (ઉ.વ. ૨૫, લક્ષ્યનગર-૦૧, કિડાણા, ગાંધીધામ) પરિણીત હતી અને પિતાના ઘેર રહી તોલાણી કૉલેજમાં અભ્યાસ કરતી હતી.
રીતુ અને તેની બહેનપણી અંકિતા ભરતભાઈ ઝીલરીયા (ઉ.વ. ૨૦, આહીરવાસ, કિડાણા) બેઉ એક્ટિવામાં પેટ્રોલ પૂરાવી બપોરે ઘરે જવા નીકળ્યાં હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી વોલ્વો બસના ચાલકે બેઉને અડફેટે લીધાં હતાં.
બેકાબૂ ચાલક બસને કંટ્રોલ કરવા પ્રયાસ કરે ત્યાં સુધીમાં બંને બેનપણીઓ એક્ટિવા સાથે બસના આગલા જોટામાં ઘૂસી જઈને ઢસડાઈ હતી.
કાબૂ ગૂમાવી ચૂકેલાં બસચાલકે વીજપોલ તોડીને બસને ડિવાઈડર પર ચઢાવી દીધી હતી અને સામેથી આવી રહેલાં એક બાઈકચાલક સમીર રહીમ ત્રાયા (રહે. કિડાણા)ને પણ અડફેટે લીધો હતો.
દુર્ઘટનામાં ગંભીર ઈજાથી રીતુનું મોત નીપજ્યું હતું જ્યારે તેની બહેનપણી અંકિતા અને બાઈકચાલક સમીર ત્રાયાને હળવી ગંભીર ઈજાઓ પહોંચી છે.
દુર્ઘટના અંગે આદિપુર પોલીસે રીતુના પિતાએ આપેલી ફરિયાદના આધારે GJ-07 TU-5621 નંબરના બસચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા પીઆઈ એમ.સી. વાળાએ કવાયત્ આદરી છે.