કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પતિથી રીસાઈને પત્ની પિયરે બેઠી હોવાના મુદ્દે ઉશ્કેરાયેલાં જમાઈએ ‘જમ’ બની સાસરે ધસી આવીને વૃધ્ધ સસરાં પર ગાડી ચઢાવી દઈ, સાસુ સસરા અને પત્નીને ધોકાથી માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષિય સુબેદાર આદિત્ય પ્રસાદ મિશ્રા અને તેમના પત્ની દીકરી પર સોમવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં જમાઈએ હુમલો કર્યો હતો. આદિત્ય પ્રસાદે તેમની દીકરી રમીલાના સામાજિક રીત રિવાજ મુજબ ૧૯૯૯માં પાટણના સમી તાલુકાના કુંવર ગામે રહેતા દિલીપ ચુનીલાલ રાવલ સાથે લગ્ન કર્યાં હતાં. જમાઈના ત્રાસના લીધે રમીલા ઘણાં સમયથી માવતરે આવીને રહે છે. સોમવારે સાંજે પાંચ વાગ્યે ફરિયાદી આદિત્ય પ્રસાદ ઘર બહાર ખુરશીમાં બેઠાં હતા તે સમયે એકાએક જમાઈ દિલીપ રાવલ બ્લ્યૂ રંગની સ્વિફ્ટ કાર લઈને આવ્યો હતો.
દિલીપે કાર સીધી સસરાની ખુરશીને ટકરાવી હતી. ટક્કર વાગતાં સસરા ખુરશી સમેત ગબડી પડ્યાં હતાં. ભૂરાટાં થયેલાં દિલીપે ગાડીમાંથી ધોકો કાઢેલો અને સસરાને રીતસર કૂટવા માંડ્યો હતો. વચ્ચે પડેલી સાસુમા અને પત્નીને પણ દિલીપે ધોકા માર્યાં હતાં.
જમ જેવા જમાઈના હુમલાના કારણે સાસુ સસરાને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચી છે. સામખિયાળી પોલીસે ઘટના અંગે દિલીપ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું કે હુમલા બાદ દિલીપ નાસી ગયો હતો. તેને પકડવા ટીમો રવાના કરાઈ છે.
ખોડાસરમાં ઢોર ચરાવવા મુદ્દે હુમલોઃ કારની ટક્કરે એક જખ્મી
ભચાઉ તાલુકાના ખોડાસરના સીમાડે ગામના પશુપાલકો સિવાય અન્ય ગામોના પશુપાલકોના પશુઓને ચરાવવા દેવાની કહેવાતા આગેવાનોએ આપેલી મંજૂરીનો વિરોધ કરવો એક પરિવારને ભારે પડ્યો છે. ગામના કહેવાતા આગેવાન એવા આરોપીઓએ આ બાબતની અદાવત રાખીને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને એક વ્યક્તિને બોલેરો જીપની ટક્કર મારી ઘાયલ કર્યો છે. ફરિયાદી રાજેશ ગઢવીએ જણાવ્યું કે સોમવારે રાત્રે દસના અરસામાં તે ગામના અન્ય બે મિત્રો સાથે ગામના ચોકમાં હોળીના નાળિયેર સાથે રમત રમતાં હતા તે સમયે દિલુભાઈ ગઢવીએ ત્યાં કારથી આવી તેમની જોડે માથાકૂટ કરેલી.
થોડીવાર બાદ દિલુનો ભાઈ હેમુ રામભાઈ ગઢવી અને રામભાઈ વશરામભાઈ ગઢવી બોલેરો લઈને ચોકમાં આવેલાં અને તેમની જોડે માથાકૂટ કરીને ગુસ્સામાં ચોકમાં બોલેરો જીપના ચક્કર મારીને દમદાટી આપી જતા રહેલા.
રસ્તામાં રાજેશના મોટા બાપા લખમણભાઈ ગઢવી આવતા હતા તો હેમુ અને રામે તેમને અડફેટે લઈ નીચે પાડી દીધા હતાં. ટક્કરના લીધે લખમણભાઈને જમણા હાથે ત્રણેક જગ્યાએ ફ્રેક્ચર થયાં છે. લાકડીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|