કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છ એસઓજીએ આજે અંજારમાં બે સ્થળે દરોડો પાડીને હર્બલ ટોનિક યા આયુર્વેદિક આસવના રૂપકડાં નામે વેચાતી નશાકારક આયુર્વેદિક સિરપની ૫.૪૫ લાખ રૂપિયાની ૩૬૫૪ બાટલીઓ જપ્ત કરી છે. પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ તરીકે આ બાટલીઓ જપ્ત કરીને બે આરોપીને અંજાર પોલીસ મથકે સોંપી દીધાં છે. ભીમાસર અને દબડામાં દરોડો પાડી માલ જપ્ત કર્યો
અંજારના ભીમાસર (ચકાસર) ગામે મોમાય કૃપા નામની દુકાનમાં બાબુ હકુભાઈ કોલી નામનો દુકાનદાર આવી નશાકારક સિરપ વેચતો હોવાની બાતમીના પગલે એસઓજીએ રેઈડ કરીને તેની દુકાનમાંથી કેટલોક જથ્થો જપ્ત કર્યો હતો. બાબુએ સિરપનો જથ્થો અંજારના દબડા રોડ પર હરીકૃપા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા જીવરાજ કરમણ ગઢવી પાસે મેળવ્યો હોવાનું કબૂલતાં પોલીસે ત્યાં દરોડો પાડીને વધુ કેટલોક જથ્થો સીઝ કર્યો હતો.
સેલ્ફ જનરેટેડ આલ્કોહોલનો આ ખેલ સમજો
આવા આયુર્વેદિક યા હર્બલ ટોનિક/ આસવ/ સિરપના કન્ટેન્ટમાં આલ્કોહોલની માત્રા સરકારી નિયત માપદંડો મુજબની દર્શાવાયેલી હોય છે પરંતુ આવા નશાકારક પીણાંને મંજૂરી આપનાર ફૂડ એન્ડ ડ્રગ્ઝ સહિતના વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને ‘અંદરખાને’ ખબર હોય છે કે થોડાંક સમય બાદ આ પેક્ડ બોટલોમાં ભરેલાં પ્રવાહીમાં આપોઆપ રાસાયણિક પ્રક્રિયા (આથો આવવો- ફર્મેન્ટેશન)થી આલ્કોહોલનું પ્રમાણ આપોઆપ વધી જતું હોય છે.
ડબલ સ્ટ્રોંગ બીયર જેટલો આલ્કોહોલ હોય છે
ભુજમાં ૧૪-૦૯-૨૦૨૩ના રોજ એલસીબીએ ટ્રાન્સપોર્ટ મારફતે આવેલી આવા હર્બલ ટોનિકની ૧૨૩૯ બાટલીઓ કબ્જે કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તેના નમુના મોકલી પરીક્ષણ કરાવતાં આ બાટલીઓમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ જેવા રાસાયણિક નશાકારક દ્રવ્યનું પ્રમાણ ૧૫ ટકા જેટલું હોવાનું બહાર આવ્યું હતું.
સામાન્ય રીતે ભારતમાં વેચાતાં પાંચસો એમએલના સ્ટ્રોંગ બીયર ટીનમાં આલ્કોહોલનું પ્રમાણ સાતથી આઠ ટકા જેટલું હોય છે તેની તુલનાએ આ ચારસો એમએલના આયુર્વેદિક આસવમાં આલ્કોહોલની માત્રા ડબલ સ્ટ્રોંગ બીયર જેટલી હતી!
જેના આધારે ૧૩-૦૬-૨૦૨૪ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે આરોપીઓ સામે પ્રોહિબિશનની ધારાઓ તળે ગુનો દાખલ કરાયો હતો. કચ્છમાં ગામે ગામ ઠેર ઠેર આવી સિરપની બાટલીઓ વેચાય છે.
Share it on
|