કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પોતાને વકીલ, ભાજપ સાથે સંકળાયેલો સામાજિક કાર્યકર, હોદ્દેદાર ગણાવતાં રાપરના નામીચા શખ્સ સામે પાંચ લાખની ખંડણીનો વધુ એક ગુનો દાખલ થયો છે. હરેશ નામેરી રાઠોડ નામના આ શખ્સને એક ગુનામાં પકડવા માટે તાજેતરમાં પોલીસ તેના ઘરે ગયેલી ત્યારે આરોપી અને તેના પરિવારજનોએ સર્ચ વૉરન્ટ વગર કેમ આવ્યાં છો કેમ કહીને પોલીસ તપાસમાં અવરોધ સર્જી ઝપાઝપી કરેલી. જેનો લાભ લઈ હરેશ ઘરમાંથી ભાગી ગયો હતો. આ મામલે રાપર પોલીસે તમામ સામે ગુનો દાખલ કરીને હરેશની ધરપકડ કરી હતી.
પોલીસે હરેશને ઝડપ્યો હોવાની વાત જાણીને તેનાથી ડરતાં રાપરના ત્રિકમનગરમાં રહેતાં ધીંગાભાઈ ભાણાભાઈ પઢિયાર નામના ૬૪ વર્ષિય વૃધ્ધની હિંમત ખૂલી ગઈ હતી.
તેમણે રાપર પોલીસ મથકે આવીને પોલીસને જણાવ્યું હતું કે હરેશે પોતાને એડવોકેટ તથા આરટીઆઈ એક્ટીવિસ્ટ ગણાવી તેમની પાસે પાંચ લાખ રૂપિયા માંગીને ના મળે તો ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલી. ધીંગાભાઈએ જણાવ્યું કે કિરણ ગોપાલભાઈ સોલંકી નામના એક યુવકની સગાઈની વાતચીત તૂટી જતાં તેણે આપઘાત કર્યો હતો. આ કેસમાં તેમના સહિત તેમના કૌટુંબિક ભાઈના પુત્ર કાનજી રામજી પઢિયાર સહિત ત્રણેક લોકો સામે કિરણના ભાઈ રાજેશે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવેલી.
આ કેસમાં હરેશ રાઠોડ અને કૌટુંબિક ભાઈ રામજી પઢિયારના સૂચનથી ગત ઑગસ્ટ માસમાં સમાધાન માટે હરેશને મળવા ગયેલાં. તે સમયે હરેશે પોતાને વકીલ અને આરટીઆઈ એક્ટીવિસ્ટ ગણાવી, જામીન રદ્દ કરવા રાજેશ સોલંકીને અરજી લખી આપી હોઈ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સમાધાન માટે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા.
ફરિયાદી પોતે કેન્સરથી પીડિત છે. હરેશને મળવા જતાં અગાઉ તેમના પુત્રએ મોબાઈલમાં રેકોર્ડીંગ ચાલું કરી આપેલું. વાતચીતનું રેકોર્ડીંગ થઈ ગયેલું.રાપર પીઆઈ જે.બી. બુબડિયાએ જણાવ્યું કે હરેશ સામે અગાઉ વકીલાતની સનદ મામલે અમદાવાદ સોલા હાઈકૉર્ટ પોલીસ મથકે છેતરપિંડી વિશ્વાસઘાતની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી. તેની સામે મારામારી, લૂંટની કલમો સહિતના પાંચ ગુના નોંધાયેલાં છે.
ફેસબૂક પર હરેશ રાઠોડે ભાજપના સાંસદ, રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, ભાજપના જિલ્લા પ્રમુખ વરચંદ સહિતના લોકોને અભિનંદન આપતાં પોતાના ફોટો સાથેના સંખ્યાબંધ શુભેચ્છા સંદેશ પોસ્ટ કરેલાં છે.
જેમાં તેણે પોતાને એડવોકેટ ગણાવીને રાપર નગરપાલિકાનો એક્સ ચેરમેન, ભાજપના લીગલ સેલનો સહસંયોજક લખેલાં વિવિધ ફુમતાં લગાડેલાં છે.
Share it on
|