કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ‘હંડ્રેડ અવર્સ’ બાદ પૂર્વ કચ્છ પોલીસ રીઢા આરોપીઓ પર તૂટી પડી છે.
Video :
અંજારના રીઢા બૂટલેગર સુજા રબારીએ વરસામેડી નજીક કરેલા દબાણ બાદ આજે પોલીસે રીઢા ઠગ અને માથાભારે શખ્સ સુલેમાનશા આમદશા શેખ ઊર્ફે બાબાના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડ્યું છે.
બાબાના નામે ટૂંકા નામથી ઓળખાતા નામચીન આરોપીએ ભુજ અંજાર રોડ પર ઓક્ટ્રોય નાકા પાસે લગડી જેવી રોડટચ જમીન પર દબાણ કર્યું હતું.
નગરપાલિકા હસ્તકની જમીન પર તેણે બે રૂમ, એક મોટા હોલ સાથે બે કિચન, મોટું આંગણું, બાથરૂમ તથા પતરાનો મોટો શેડ ખડકીને કમ્પાઉન્ડ વૉલ ચણી નાખી હતી. પીઆઈ એ.આર. ગોહિલે જણાવ્યું કે આરોપી સામે સસ્તાં સોના અને એક કા તીન જેવી લાલચ આપીને ઠગાઈ કરવી, બળજબરીથી મિલકત પડાવી લેવી, મારામારી સહિતના સંખ્યાબંધ શરીરસંબંધી ગુના અંજાર અને અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલાં છે. દબાણ હટાવીને અંદાજે ૩૦૦ ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ છે જેની માર્કેટ પ્રાઈસ અંદાજીત ૪૦થી ૫૦ લાખ રૂપિયા જેટલી થાય છે.
ગાંધીધામના કિડાણામાં દાદા બનીને ફરતાં ઈસ્માઈલ ઊર્ફે કાસુડો ઈબ્રાહિમ ચાવડા, અસગર ઈસ્માઈલ ચાવડા અને ઝુબેર અકબર પઠાણને આજે હાથકડીઓ પહેરાવીને પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. આ ત્રણ જણાં અને ગની ઊર્ફે ગનીડો ચાવડા એમ ચાર આરોપીએ કબૂતર વેચવાની નજીવી બાબતે ૧૫ માર્ચના રોજ ગામમાં રહેતા સોમચંદ રોશિયા નામના એક દલિત યુવક પર પાઈપ, કુહાડીથી હુમલો કરી ઢોર માર માર્યો હતો. આ ગુનામાં આજે ત્રણેની ધરપકડ કરીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનાના સ્થળ પર ડેમોન્સ્ટ્રેશન પંચનામું કર્યું હતું. આરોપીઓ પર અગાઉ ગુજસીટોક જેવા ગંભીર ગુના દાખલ થયેલાં છે.