કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ હોટેલમાં સાથે જમવા ગયેલાં બે મિત્રોએ વાતો કરતાં કરતાં ભરપેટ ભોજન કર્યું. એક મિત્રએ બેઉના જમવાના પૈસા ચૂકવી દીધાં બાદ બીજા મિત્ર પાસે ભોજનના પૈસા માગ્યાં. મિત્રએ ‘હાલ વધુ રૂપિયા નથી, તને પછી આપી દઈશ’ તેમ કહ્યું તો મિત્રએ ‘પછી બછી નહીં રૂપિયા તો હાલ જ આપી દે’ કહીને ઝઘડો કર્યો. ઉશ્કેરાટમાં આવી જઈને મિત્રને ગળે છરી ઝીંકી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો. ઘટના છે લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાં સામખિયાળી મોરબી હાઈવે પર કટારીયા ગામના સીમાડે આવેલી યુપી બિહાર હોટેલ ખાતેની. પંજાબનો લખવિન્દરસિંઘ ઊર્ફે લખ્ખાસિંઘ ગુરુમુખસિંઘ જાટ અને લવલીસિંઘ સંસારીલાલ ભજગા બેઉ રામદેવ લોજીસ્ટીક નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બંને લાંબા સમયથી એકમેકના મિત્રો છે. ગઈકાલે લખ્ખો મોરબીની ફેક્ટરીમાં રેતી ખાલી કરીને પરત કચ્છ આવતો હતો અને લવલીસિંઘ ટ્રકમાં રેતી ભરીને કચ્છ બહાર અંકલેશ્વર જતો હતો.
બેઉ જણે ફોન પર વાતચીત કરેલી અને રાત્રે સાડા આઠના અરસામાં યુપી બિહાર હોટેલ ખાતે ભેગાં મળી જમવાનું નક્કી કરેલું.
બંને જણ સાથે જમેલાં અને લખ્ખાએ ભોજનના પૈસા ચૂકવી દીધાં બાદ મિત્ર લવલીને અડધા રૂપિયા તેને આપી દેવા જણાવેલું. લવલીએ ‘પછી આપી દઈશ’ તેમ કહેતાં લખ્ખાએ ‘હાલને હાલ મને રૂપિયા આપી દે’ કહીને ઝઘડો કરેલો.
લવલી રૂપિયા આપ્યા વગર ટ્રકમાં ચઢવા જતો હતો ત્યાં પાછળથી આવીને લખ્ખાએ તેના ગળામાં ચાકુ ઝીંકી દીધું હતું.
ગળામાં ગંભીર ઈજાથી લવલી ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેને તત્કાળ સારવાર માટે રવાના કર્યો હતો. લવલીના ગળાની ચાર પાંચ નસ કપાઈ ગઈ છે. ઘણું લોહી વહી ગયું છે અને ઓપરેશન બાદ હાલ તે બેહોશ હાલતમાં વેન્ટીલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. લાકડીયા પોલીસે હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો નોંધી પીઆઈ જે.એમ. જાડેજાએ તપાસ શરૂ કરી છે.
Share it on
|