કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ચુડવાની સીમમાં ૪૦ વર્ષિય યુવકને ટીમ્બર ફેક્ટરીના માલિક, તેના પુત્ર સહિતના સાત જણે ચોર હોવાની શંકા રાખીને, અપહરણ કરી પંદરેક કલાક સુધી ગોંધી રાખી પાઈપ અને ધોકાથી માર મારીને અસહ્ય યાતનાઓ આપી છે. આરોપીઓએ યુવકના ઈજાગ્રસ્ત અંગો પર મીઠું ભભરાવીને અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પાણીની ખાલી બોટલો લેવા ગયો ને ચોર માની લેવાયો
ચુડવામાં રહેતો રમજુ હુસેન ગગડા ગુરુવારે સવારે સાડા નવના અરસામાં ગામના સીમાડે શંકર પ્લાયવૂડ નામની ટીમ્બર ફેક્ટરી પાછળ આવેલ નદી ઝાડીઓમાં તેની બકરીઓને લઈ ચરાવવા ગયો હતો. ટીમ્બર ફેક્ટરીનો પાછળનો ભાગ ખૂલ્લો છે. ત્યાં પાણીની ત્રણ ખાલી બાટલીઓ પડી હોઈ રમજુ આ બાટલીઓ લેવા ફેક્ટરીમાં ગયો હતો. અંદર પ્રવેશતાં જ ફેક્ટરીમાં દુકાન ચલાવતો કોઈક મારવાડીભાઈ તેને જોઈ ગયો હતો અને તેને અટકાવીને ‘તું અહીં કેમ આવ્યો છે?’ કહી ફોન કરીને બીજા ત્રણ શખ્સોને ત્યાં બોલાવ્યાં હતાં. ત્રણે જણ તુરંત ત્યાં આવ્યાં હતા અને તેમણે પણ રમજુની પૂછપરછ કરતાં રમજુ ગભરાઈ ગયો હતો.
રમજુએ દોટ મૂકી તો કારથી પીછો કરી પકડ્યો
ગભરાયેલો રમજુ ફેક્ટરીની બહાર ખેતરોમાં નાસવા માંડેલો. ત્રણે જણે કારમાં પીછો કરીને થોડીકવારમાં જ તેને પકડી લીધો હતો. રમજુને મારકૂટ કરી તેઓ બળજબરીથી કારમાં અપહરણ કરી ફરી ફેક્ટરી પર લઈ આવ્યા હતાં. ફેક્ટરીમાં પતરાંના શેડ નીચે રમજુને બેસાડીને ‘તું ચોરી કરવા અમારી ફેક્ટરીમાં કેમ ઘૂસેલો? તે જ અમારી ફેક્ટરીમાં ચોરી કરેલી છે, સાચું બોલ’ કહીને ચારે જણ પાઈપ વડે તેની મારપીટ કરવા માંડ્યા હતાં. ચારે જણે તેને ફેક્ટરીમાં ગોંધી રાખેલો.
યાતના આપવા ઘાયલ અંગો પર મીઠું ભભરાવ્યું
સાંજે સાડા છ સાતના અરસામાં ફેક્ટરી માલિક વેલાભાઈ આવ્યો હતો. વેલાભાઈના કહેવાથી બે અજાણ્યા શખ્સોએ રમજુને પકડી રાખ્યો હતો અને વેલાએ ધોકાથી તેને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ તેને યાતના આપવા ઘાયલ અંગો પર મીઠું ભભરાવ્યું હતું. રમજુને મધરાત્રે એકાદ વાગ્યા સુધી ફેક્ટરીમાં ગોંધી રખાઈને માર મરાયો હતો.
મધરાત્રે પરિવાર-પોલીસે રમજુને મુક્ત કરાવ્યો
ભાઈને ફેક્ટરીમાં ગોંધી રાખી મરાતો હોવાની ખબર પડતાં તેનો ભાઈ આમદ મિત્રો પરિચિતોને લઈને ફેક્ટરી પર પહોંચ્યો હતો. પોલીસની પીસીઆર વાન પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મધરાત્રે રમજુને મુક્ત કરાવીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ત્યાંથી તેને તેનો ભાઈ અંજારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ આવ્યો હતો.
પોલીસે ગંભીર કલમો તળે દાખલ કરી ફરિયાદ
આરોપીઓ એકમેકના નામજોગ અંદરોઅંદર જે વાતચીત કરતા હતા તેના આધારે રમજુએ તેનું અપહરણ કરી માર મારનારાઓમાં મારવાડી, ફેક્ટરી માલિક વેલાભાઈ, તેના પુત્ર શિવમ, ભાવેશ, સુરેશ, બે અજાણ્યા શખ્સો મળી સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રમજુના બંને હાથ, બંને પગ અને પીઠ સહિતના અંગોમાં ઈજાઓ થઈ છે. જો કે, ફ્રેક્ચર જેવી અસ્થિભંગની ઈજા થઈ નથી. ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરીએ જણાવ્યું કે આરોપીઓની બનતી ઝડપે ધરપકડ કરવા પોલીસ કાર્યરત છે.
આગેવાને ઘટનાને મોબ લિન્ચીંગ સાથે સરખાવી
ઘટના અંગે રાજકીય સામાજિક આગેવાન હાજી જુમા રાયમાએ બનાવને મોબ લિન્ચીંગ સાથે સરખાવી રજૂઆત કરી છે કે આવા કોમવાદી અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસની પીસીઆર વાન રાત્રે ત્યાં ગયેલી તો પોલીસની ગાડીને પણ ફેક્ટરીમાં પ્રવેશવા નહોતી દેવાઈ અને પોલીસની હાજરીમાં રમજુને માર મરાયો હતો તેવો રાયમાએ આરોપ કર્યો છે. પીઆઈ ચૌધરીએ પોલીસે રાત્રે જ યુવકને મુક્ત કરાવીને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હોવાનું કહીને પોલીસની હાજરીમાં યુવકને માર મરાયો હોવાનો આરોપ ખોટો હોવાનો ખુલાસો કર્યો છે.
Share it on
|