કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ ૧૦ ટકા વ્યાજે ૮ લાખ રૂપિયા આપીને હવે વ્યાજ મૂડી સહિત ૨૦ લાખ રુપિયાની પઠાણી ઊઘરાણી કરતાં મામા ભાણેજ સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આધોઈ ગામે શાહુનગરમાં રહેતા વિપુલ સુરેશભાઈ પ્રજાપતિ નામના યુવકે બેઉ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ અંજારમાં કટલરીની દુકાને નોકરી કરતા અને અંજારમાં રહેતા વિપુલે જણાવ્યું કે તેના માતા-પિતા અને અન્ય ભાઈઓ શાહુનગરમાં રહે છે. બે વર્ષ અગાઉ નાણાંની જરૂર ઊભી થતાં વિપુલે ટૂકડે ટૂકડે લાકડીયાના મહેન્દ્રસિંહ સોઢા નામના શખ્સ પાસેથી ૧૦ ટકા વ્યાજે ૮ લાખ રૂપિયા મેળવ્યાં હતાં.
છેલ્લાં થોડાંક સમયથી મહેન્દ્રસિંહ અને તેના ભાણેજ કીર્તિસિંહ ચનુભા જાડેજા (રહે. નરા, ભચાઉ) વ્યાજે આપેલા આઠ લાખ સામે મૂડી સહિત ૨૦ લાખ રૂપિયાની પઠાણી ઊઘરાણી કરવા માંડ્યા છે. મહેન્દ્ર અવારનવાર ફોન કરીને ફરિયાદી પાસે પઠાણી ઊઘરાણી કરે છે. કીર્તિ અવારનવાર શાહુનગરમાં ફરિયાદીના ઘેર જઈને તેના માતા પિતા તથા ભાઈઓ પાસે રૂપિયાની માંગણી કરી ધાકધમકી કરે છે.
ગઈકાલે કીર્તિએ ઘરે જઈને વિપુલના પિતાને ગાળો ભાંડીને થપ્પડ મારી દીધી હતી અને જો કાલ સાંજ સુધીમાં રુપિયા ના મળે તો મારી નાખવાની ધમકી આપી હતી.
સામખિયાળી પોલીસે વ્યાજખોર મામા ભાણેજ સામે ગેરકાયદે નાણાં ધીરી વ્યાજખોરી કરવા સબબ ગુનો દાખલ કર્યો છે.
Share it on
|