કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગાંધીધામના સુભાષનગરમાં રહેતા ઉદ્યોગપતિના ઘરમાં રાજસ્થાની નોકરાણીએ હાથફેરો કરીને ૩૨ હજાર રોકડાં રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી ૪.૭૮ લાખની માલમતાની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગાંધીધામના ત્રણ જ્વેલરે ચોરીના દાગીના કોઈ આધાર પૂરાવા માંગ્યા વગર બજાર ભાવ કરતાં ઓછાં દામે ખરીદી લીધાં હોવાનું બહાર આવતાં એ ડિવિઝન પોલીસ મથકે નોકરાણી સહિત ત્રણે જ્વેલર્સ પણ ચોરીના ગુનામાં મદદગારી બદલ ફીટ થયાં છે. લગ્નમાં જવા દાગીનાના બોક્સ ખોલતાં ચોરી બહાર આવી
ભારતનગરમાં ઈન્ડસ્ટ્રીયલ હિટર બનાવવાની ફેક્ટરી ધરાવતા ૪૦ વર્ષિય ફરિયાદી શનિ કિરણસિંહ ડોડિયાએ પોલીસને જણાવ્યું કે તેમના પિતા ટ્રાન્સપોર્ટર છે, માતા ખાનગી સ્કુલનું સંચાલન કરે છે અને પત્ની ક્લિનીક ચલાવે છે. ઘરના સૌ સભ્યો આખો દિવસ પોત-પોતાના વેપાર ધંધામાં વ્યસ્ત હોઈ તેમણે ઘરકામ માટે અલગ અલગ સ્ત્રી પુરુષોને કામે રાખેલાં છે.
ચોથી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ તેમણે ઘરકામ માટે રાજસ્થાનના ગંગાનગરના સુરતગઢની દેવિકાબેન નામની મહિલાને ઘરકામે રાખેલી. દેવિકા ઘરના ત્રીજા માળે આવેલા રૂમમાં રહેતી અને આખો દિવસ ઘરકામ કરતી.
અઠવાડિયે એકવાર તે રજા રાખીને સુંદરપુરીમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પાસે રહેવા જતી. લગ્નપ્રસંગે પરિવારને બહારગામ જવાનું થતાં ગત ગુરુવારે તેમણે ઘરના કબાટમાં રાખેલાં દાગીનાના બોક્સ બહાર કાઢતાં તેમાં રહેલા દાગીના ગાયબ હોવાનો અને બધાં બોક્સ ખાલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
દાગીના વેચી મળેલાં ૩.૯૫ લાખ બેન્કમાં જમા કરાવેલાં
ઘરેણાંની ચોરી અંગે ફરિયાદીના પિતાએ દેવિકાની પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને રડતાં રડતાં કહેવા માંડી હતી કે તેને ટીબી થઈ ગયો હોઈ સારવાર માટે નાણાંની જરૂરત ઊભી થતાં તે લાગ મળ્યે એક-બે દાગીના ચોરી લઈને બે-ત્રણ દાગીના ભેગાં થાય એટલે જ્વેલરને ત્યાં વેચવા જતી હતી. ૦૮-૦૪-૨૦૨૪થી ૦૬-૦૯-૨૦૨૪ના સમયગાળા દરમિયાન જ્યારે ફરિયાદીની પત્ની ગર્ભવતી હતી તે સમયે તેણે એક એક કરીને આ દાગીનાની ચોરી કરેલી. દાગીનાના વેચાણમાંથી ઉપજેલાં ૩.૯૫ લાખ રૂપિયા તેણે પતિના બેન્ક ખાતામાં જમા કરાવેલાં અને જરૂર પડ્યે તે રૂપિયા વાપરતી હતી.
અંબિકા જ્વેલર્સ, કુંદન જ્વેલર્સ, શિવશક્તિ જ્વેલર્સ પણ ફીટ
દેવિકાએ જણાવ્યું કે ચોરીના ઘણાં દાગીના તેણે ભારતનગર મેઈન માર્કેટમાં આવેલી અંબિકા જ્વેલર્સ નામની શોપમાં વેચ્યાં હતા અને તેમાંથી તેને ૩.૮૫ લાખ રૂપિયા મળ્યાં હતાં. એ જ રીતે, નજીકમાં આવેલ કુંદન જ્વેલર્સમાં તેણે ૭૫ હજાર રૂપિયામાં ત્રણ દાગીના વેચેલાં. ભારતનગરથી મહેશ્વરીનગર જતા રોડ પર આવેલ શિવશક્તિ જ્વેલર્સમાં ૨.૧૦ લાખ રૂપિયામાં ચેઈન, બુટ્ટી અને પરચુરણ દાગીના વેચ્યાં હતાં.
ત્રણે જ્વેલર શોપના સોનીઓએ દાગીનાના બિલ કે આધાર પૂરાવા માગ્યા વગર બજાર ભાવ કરતાં ઓછાં રૂપિયા આપીને આ ચોરીના દાગીના ખરીદયાં હતાં.
પોલીસે દેવિકા સહિત ત્રણ જ્વેલર્સ પેઢીના સંચાલકો સામે પણ ગુનો નોંધ્યો છે. ગુનામાં પોલીસે BNSની કલમ ૩૧૭ (૨) અને ૩૧૭ (૪) લગાડી છે જેમાં ઈરાદાપૂર્વક ચોરીનો માલ ખરીદવા સબબ દસ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે.
Share it on
|