કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના મેઘપર બોરીચી ગામના રેલવે ગરનાળા નીચે બે બાઈકસવારે હુમલો કરીને સાત લાખ રૂપિયાની કરેલી લૂંટ કેવળ ઉપજાવી કાઢેલો ખોટો બનાવ હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસની સઘન તપાસમાં લૂંટ થયાની કેફિયત આપનાર બેન્સોના મજૂરે પોતે રાતોરાત માલદાર થવા લૂંટની ખોટી વાત ઉપજાવી કાઢી હોવાનું કબૂલ્યું છે. આરોપીએ મિત્રને સાચવવા માટે આપેલા સાત લાખ રૂપિયા પોલીસે રીકવર કરી લીધાં છે. શેઠે બેન્કમાંથી દસ લાખ લઈ આવવા મજૂરને મોકલેલો
મેઘપર કુંભારડીમાં બેન્સો ધરાવતા વીરેન્દ્ર ઊર્ફ લાલો શામજી કેશરાણી (રહે. સંસ્કારનગર, મેઘપર બોરીચી. મૂળ વતનઃ નાના અંગિયા, નખત્રાણા)એ અંજાર પોલીસ સ્ટેશને તેના બેન્સોના કર્મચારી પ્રવિણ ભાકાભાઈ મેરને લઈ આવીને તેની પાસે રહેલાં સાત લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની જાણ કરી હતી.
વીરેન્દ્રએ જણાવ્યું કે મજૂરોને નાણાં ચૂકવવાના હોઈ તેણે પોતાના બેન્ક ખાતામાંથી રોકડાં રૂપિયા કઢાવી લાવવા માટે બેન્સોમાં કામ કરતાં પ્રવિણને સહી કરેલાં બે સેલ્ફ ચેક આપ્યાં હતાં.
ઈન્ડસઈન્ડ બેન્કના એક ખાતામાંથી ત્રણ લાખ અને બીજા ખાતામાંથી સાત લાખ રૂપિયા ઉપાડવાના હતાં. પ્રવિણ મેર (રહે. લખુબાપા નગર, મેઘપર બોરીચી મૂળ રહે. શિહોર, ભાવનગર) બપોરે એક્ટિવા લઈને નાણાં ઉપાડવા ગયો હતો. બેન્ક ખાતામાંથી નાણાં વિડ્રૉઅલ અંગે ફરિયાદીને ૩.૩૯ કલાકે ફોન પર મેસેજ મળ્યો હતો.
મજૂરે આ રીતે ઉપજાવી કાઢેલી નકલી લૂંટની ઘટના
પંદરેક મિનિટ બાદ અચાનક પ્રવિણે શેઠને ફોન કરીને જાણ કરી હતી કે ‘બે જણાં મને મારે છે, તમે ફટાફટ આવો’ ફરિયાદી સ્થળ પર દોડી ગયા ત્યારે ગરનાળા વચ્ચે પ્રવિણ ઊભો હતો અને સાઈડમાં એક્ટિવા નીચે પડેલી હતી. પ્રવિણે શેઠને કહેલું કે તે એક્ટિવા લઈને આવતો હતો ત્યારે પાછળથી બાઈક પર બે જણાં આવેલાં. એક જણે ચાલતી બાઈકે તેને લાત મારતાં તે એક્ટિવા સાથે નીચે પડી ગયેલો. ઊભો થવા જતો હતો ત્યારે તેમણે ફરી લાત મારેલી અને એક્ટિવાની ચાવી કાઢી ડીકી ખોલીને તેમાં પડેલાં સાત લાખ રૂપિયા લઈ બેઉ નાસી ગયાં હતાં. ત્રણ લાખ રૂપિયા ખિસ્સામાં પડ્યાં હોઈ બચી ગયાં છે.
ગોળ ગોળ જવાબોથી પોલીસનો શક ઘેરો બન્યો
ઘટના અંગે પોલીસે તુરંત વીરેન્દ્રની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંદી નાખ્યાં હતા પરંતુ ક્યાંય તે સમયે બાઈક પર જતાં બે યુવકો જોવા મળ્યાં નહોતાં. પોલીસે પ્રવિણને વિવિધ પ્રશ્નો પૂછવાનું શરૂ કરતાં તે ગોળ ગોળ જવાબો આપતો હતો. પોલીસને પ્રવિણ ઉપરનો શક ઘેરો બન્યો હતો.
પોલીસ સ્ટેશને આવેલા પ્રવિણના મિત્રએ ભાંડો ફોડ્યો
પ્રવિણે જ લૂંટનું તરકટ રચ્યું હોવાની પોલીસને ખાતરી થવા માંડી હતી. દરમિયાન, પતિ લૂંટાયો હોવાનું અને પોલીસ તેની પૂછપરછ કરી રહી હોવાનું જાણીને ચિંતિત બનેલી પ્રવિણની પત્ની પડોશમાં રહેતા પ્રવિણના મિત્ર નાગપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા (રહે. મેઘપર બો.)ને લઈ પોલીસ મથકે દોડી આવી હતી.
પ્રવિણ સાથે થયેલા ગુના અંગે જાણ થતાં નાગપાલને વહેમ પડ્યો હતો.
નાગપાલે પોલીસને મળીને જણાવ્યું હતું કે ‘સાહેબ, હું નોકરી પર હતો ત્યારે પ્રવિણે મને ફોન કરીને ગરનાળા પાસે બોલાવેલો અને નોટોના બંડલ રાખવા આપેલાં. આ રૂપિયા શેના છે, કેટલાં છે તે અંગે મને કશું કહ્યું નહોતું. એ રૂપિયા બહાર મારી ગાડીની ડીકીમાં હજુ એમ જ પડ્યાં છે!’ પોલીસે રૂપિયા મગાવીને ગણતાં પૂરેપૂરાં સાત લાખ રોકડાં હતાં અને આમ પ્રવિણના તરકટનો સંપૂર્ણ રીતે પર્દાફાશ થઈ ગયો હતો.
રાતોરાત માલદાર થવા તરકટ રચેલું
પ્રવિણ આ બેન્સોમાં છએક માસથી કામ કરતો હતો. તા માવતર શિહોરમાં મજૂરી કરે છે. ગોલ્ડ લોનના હપ્તા ભરવામાં પડતી ખેંચ વચ્ચે રાતોરાત માલદાર થઈ જવાની ગણતરીએ પ્રવિણે આખો બનાવ ઉપજાવી કાઢ્યો હતો. રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર, અંજારના DySP મુકેશ ચૌધરી અને પ્રોબેશનરી IPS વિકાસ યાદવના માર્ગદર્શનમાં અંજાર પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલ, પો.સ.ઈ. એસ.જી. વાળા, બી.એસ. ચૌહાણ સહિતનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો.
Share it on
|