કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અંજાર ગાંધીધામમાં ગાંજાનું વેચાણ કરવાના ત્રણ ગુનામાં છેલ્લાં પાંચ વર્ષથી નાસતાં ફરતાં રહેલા બિહારના ભાગલપુરના રીઢા આરોપીને બિહાર જઈ વેશપલટો કરીને કંડલા પોલીસ ગાંધીધામ પકડી લાવી છે. ગત ૨૪ ફેબ્રુઆરીએ ગાંધીધામમાં કૂરિયરની ઑફિસે મોકલેલા ૧૪ લાખની કિંમતના ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ ગાંજાના પાર્સલનો ગુનો બહાર આવ્યાં બાદ પૂર્વ કચ્છ પોલીસે ગમે તે ભોગે આ રીઢા આરોપીને પકડી પાડવાનો સંકલ્પ કર્યો હતો. લેબર કોન્ટ્રાક્ટર પિન્ટુને પકડવા પોલીસ મજૂર બની
પિન્ટુને પકડી લાવવા માટેનું ટાસ્ક કંડલા મરીનના પીઆઈ એ.એમ. વાળાને સોંપાયું હતું. પોલીસને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી માહિતી મળી હતી કે ૩૬ વર્ષિય પિન્ટુ અવધેશ મંડલ હાલ તેના વતન ભાગલપુરના ઈસ્માઈલપુરમાં છે. પિન્ટુ ત્યાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. પિન્ટુને ઝડપી પાડવા કંડલા મરીનના હેડ કોન્સ્ટેબલ હરપાલદેવ સોલંકી, કોન્સ્ટેબલ કુલદીપ વ્યાસ અને મહેન્દ્રસિંહ વાઘેલા બિહાર રવાના થયાં હતાં. પિન્ટુને શંકા ના જાય તે માટે ત્રણે પોલીસ કર્મચારીએ મજૂર તરીકેનો વેશપલટો કર્યો હતો. બિહારી લઢણમાં બોલવાની પ્રેક્ટિસ કરેલી અને સતત તેના પર વૉચ રાખી હતી. મોકો મળતાં જ તેમણે પિન્ટુને ધરબોચી લીધો હતો.
અંજારના પાંચ વર્ષ જૂના ગુનામાં નાસતો ફરતો હતો
પિન્ટુ મંડલ સામે સૌપ્રથમ ૦૪-૦૧-૨૦૨૧ના રોજ અંજાર પોલીસ મથકે ગાંજાના વેચાણનો ગુનો નોંધાયો હતો. પૂર્વ કચ્છ એસઓજીએ બાઈક પર ૨૪ કિલો ૬૩૫ ગ્રામ ગાંજો લઈને જતા યશવંત મંડલ નામના યુવકને પકડ્યો ત્યારે પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે અંબાજીનગર- ૩, વરસામેડીમાં રહેતા મામા પિન્ટુ મંડલ સાથે રહીને પાર્ટનરશીપમાં ગાંજાનું છૂટક વેચાણ કરે છે. ટ્રેનમાં ઓડિશાની ખેપ મારીને યશવંત આ ગાંજો લઈ આવેલો. ભાણિયો પકડાતાં પિન્ટુ ગાયબ થઈ ગયો હતો.
૧૨-૦૫-૨૦૨૨ના રોજ અંજાર પોલીસ મથકે પિન્ટુ સામે ગાંજાના વેચાણનો બીજો ગુનો નોંધાયો હતો.
એસઓજીએ વરસાણામાં ભાગીદારીમાં ભાડેથી દુકાન રાખી પ્રોવિઝન સ્ટોર ચલાવતાં અમીરહુસેન અલી હુસેનને ૩ કિલો ૫૩૮ ગ્રામ ગાંજા સાથે પકડ્યો હતો. દુકાનમાં છૂટક ગાંજો વેચતા અમીરે જણાવ્યું હતું કે માલ ખલાસ થઈ જાય એટલે તેનો પાર્ટનર જવાહર દાસ પિન્ટુને ફોન કરતો અને પિન્ટુ માલ સપ્લાય કરી જતો. અંજારના બંને ગુનામાં પિન્ટુ નાસતો ફરતો હતો.
ગત ૨૪ ફેબ્રુઆરીએ ગાંધીધામમાં બ્લ્યૂ ડાર્ટ કૂરિયરની ઑફિસે આવેલા પાર્સલમાંથી ૧૪ લાખની કિંમતનો ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આ કેસમાં પિન્ટુનું નામ ખૂલતાં પોલીસે તેને કોઈપણ ભોગે ઝડપી લેવા નિર્ધાર કર્યો હતો.
Share it on
|