કચ્છખબરડૉટકોમ, ભુજઃ ખનિજનું પરિવહન કરવા માટે ખાણ ખનિજ કચેરી દ્વારા ઈસ્યૂ થતાં ખાસ સિરિયલ નંબરવાળા સ્પેશિય પેપર્સ સાથેના નકલી ડિલિવરી પાસના આધારે થતી ચાઈના ક્લેની ખનિજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. શિકારપુર નજીક ખાણ ખનિજ તંત્રની સૂરજબારી ચેકપોસ્ટ પર ઓવરલોડ ચાયના કલે ભરેલું ડમ્પર પકડાયાં બાદ ડ્રાઈવરે રજૂ કરેલાં કાગળિયાના આધારે આ કૌભાંડ બહાર આવ્યું છે. નાડાપાની ભાગ્ય લક્ષ્મી મિનરલ્સ કંપનીના ભાગીદારો મહેશ વાલાભાઈ ગાગલ અને શિવજી રૂપાભાઈ ગાગલ (બંને રહે. ઢોરી, ભુજ)ને ભુજ ખાણ ખનિજ વિભાગે આ ડિલિવરી પાસ ઈસ્યૂ કર્યો હતો.
અંજાર ખાણ ખનિજ કચેરીએ ગહન તપાસ કરતાં આ ડિલિવરી પાસ નકલી હોવાનો પર્દાફાશ થયો છે.
જેના આધારે ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા માઈન્સ સુપરવાઈઝરે મહેશ અને શિવજી ગાગલ સાથે ડમ્પરના ડ્રાઈવર દેવશી કમાભાઈ રબારી અને ડમ્પર માલિક કાનજી શામજી બાલાસરા (ધાણેટી) સહિત ચાર લોકો સામે સામખિયાળી પોલીસ મથકે ગુનાહિત કાવતરું રચીને નકલી ડિલિવરી પાસ પર ઓવરલોડ ચાઈના ક્લેનું પરિવહન કરી ૨.૨૭ લાખની ખનિજ ચોરીનો ગુનો નોંધાવ્યો છે.
ખાણ ખનિજની ટેકનિકલ પરિભાષા મુજબ જો લીઝમાંથી સીધું ખનિજ ભરાઈને પરિવહન થતું હોય તો રોયલ્ટી પાસ ઈસ્યૂ કરાતો હોય છે જ્યારે સ્ટોકમાં પડેલું ખનિજ પરિવહન કરાતું હોય તો ડિલિવરી પાસ ઈસ્યૂ થતો હોય છે.
ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર માસમાં અંજાર પોલીસ મથકે નકલી SSPના આધારે બોગસ રોયલ્ટી પાસ બનાવી પરિવહન કરાતી ખનિજ ચોરીના કાંડનો પર્દાફાશ કર્યો હતો.
Share it on
|