કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ આમજનતા પર આતંક મચાવ્યાની ઘટનાના પગલે સફાળા સક્રિય બનેલા DGPએ રવિવારે ૧૦૦ કલાકની અંદર દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનદીઠ અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી. યાદી તૈયાર થયાં બાદ તેમની ઝીણવટભરી તપાસ કરી ક્યાંય કોઈ નવા ગુનામાં ફીટ થતાં હોય અથવા ગેરકાયદે દબાણ કર્યું તો તોડી પાડીને કડક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.
DGPની સૂચના બાદ રેન્જ IG ચિરાગ કોરડીયા અને SP સાગર બાગમારના નિર્દેશ હેઠળ સામખિયાળી પોલીસે વિવિધ સાત ગુનાના આરોપી હાજી આમદ ત્રાયા (રહે. શિકારપુર)એ કરેલું પાકું દબાણ પોલીસે તોડી પાડ્યું છે.
પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું કે આમદ ત્રાયા સામે ભૂતકાળમાં રાયોટીંગ, હુમલો, લૂંટ, હત્યા, આર્મ્સ એક્ટ, ધાક ધમકી આપવા સહિતના સાત ગુના નોંધાયેલાં છે. તે વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવે છે.
આમદે ગામના જૂનાં સરકારી દવાખાનાની જમીન અને મકાનમાં કબજો કર્યો હોવાનું સ્પષ્ટ થતાં સામખિયાળી પોલીસે આજે અન્ય સરકારી તંત્રોની મદદથી તેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી નાખ્યું છે.
લિસ્ટેડ બૂટલેગર પાસા તળે સુરત જેલ ધકેલાયો
વરિષ્ઠ અધિકારીઓની સૂચનાના પગલે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ અંજાર ભચાઉના લિસ્ટેડ બૂટલેગર કાનજી ઊર્ફે કાના વેલા બઢીયા (રહે. મૂળ ચીરઈ, ભચાઉ હાલ રહે. બાગેશ્રી- ૧, વરસામેડી, અંજાર)ને પાસા હેઠળ ફીટ કરી દીધો છે. ગત એક જ વર્ષમાં આરોપી સામે અંજાર અને ભચાઉ પોલીસ મથકે દસ મળી કુલ ૧૧ ગુના દાખલ થયાં હતા. આરોપીને સુરતની લાજપોર જેલ ધકેલી દેવાયો હોવાનું એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું છે.
Share it on
|