કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવતાં અસામાજિક અને માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામો પર રોજેરોજ પૂર્વ કચ્છ પોલીસનું બુલડોઝર ફરી રહ્યું છે. આજે પોલીસનું બુલડોઝર કિડાણામાં આવેલું અને અહીંના ત્રણ રીઢા આરોપીઓના ગેરકાયદે બાંધકામો બી ડિવિઝન પોલીસે ધ્વસ્ત કરાવી દીધા છે.
હત્યાના પ્રયાસ અને હુમલા સહિતના અનેક ગુનાઓના આરોપી કિડાણાના વસીમ હાજી આમદ સોઢાએ યોગેશ્વર સોસાયટીમાં પોતાના ઘરની સામે જાહેર રોડ પાસે ગેરકાયદે દુકાનો ચણી નાખેલી તે તોડી પડાઈ છે.
♦વસીમે ઘરની આગળ પાર્કિંગના હેતુથી ગેરકાયદે પતરાનો શેડ બનાવેલો તે તોડી પડાયો છે. તો, સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદે દુકાનો ચણી લઈને એક હજાર ચોરસ ફૂટ જેટલું કરેલા દબાણ પર પણ બુલડોઝર ફરી વળ્યું છે.
♦અહીં રહેતા ઈકબાલ હાજી આમદ સોઢાએ પોતાના મકાનની બાજુમાં આવેલા ચાર સરકારી પ્લોટમાં ગેરકાયદે દિવાલ ચણીને કરેલું દબાણ તોડી પડાઈ ચાર હજાર ચોરસ ફૂટ જમીન ખૂલ્લી કરાઈ છે. ઈકબાલ પર મારામારી અને મિલકત સબંધી ગુનાઓ નોંધાયેલાં છે.
♦પોલીસનું બુલડોઝર નજીકમાં આવેલી સેવન સ્કાય સોસાયટી પાસે આવેલા સુલતાન ગની છુછીયાના ગેરકાયદે દબાણો પર પણ ફરી વળ્યું છે. મિલકત સંબંધી અને વ્યાજખોરીના ગુનાઓના આરોપી સુલતાને સેવન સ્કાય સોસાયટીના આગળના ભાગે ગેરકાયદેસર રીતે ૧૦ દુકાનોનુ પાકું બાંધકામ કરી, અંદર સર્વિસ સ્ટેશન સહિતના દબાણોનું નિર્માણ કરીને ૧૦ દુકાનો ચણી નાખી હતી. તે હટાવીને પોલીસે એક હજાર ચોરસ ફુટ જગ્યા ખૂલ્લી કરાવી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે અંજાર પોલીસે સિનોગ્રા ગામે માદક દ્રવ્યોના ત્રણ ગુનાના આરોપી મહમંદ હુસેન સૈયદે સરકારી જમીન પર બનાવેલું મકાન અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવા કરેલું દબાણ તોડી પાડ્યું હતું.
બે બૂટલેગરો પણ પાસાના પાંજરે પૂરાયાં
બે મોટા ગજાના બૂટલેગરને પૂર્વ કચ્છ પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામીને અંદર કરી દીધાં છે. લાકડીયા, મુંદરા, લીમડી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂબંધીના પાંચ ગુનાઓ, ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ તથા લીમડી અને સાયલા પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતના ગુનાઓ મળી નવ ગુનાના આરોપી એવા માંડવીના બિદડા ગામના મયૂરસિંહ ઊર્ફે સાગર હરિસિંહ જાડેજાની પાસા હેઠળ અટક કરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલી આપ્યો છે. તો, રાજસ્થાનના સાંચોરમાં ચીટીંગના બે ગુના અને આડેસર, ગાંધીધામ, મુંદરા તથા અંજારમાં દારૂબંધીને લગતાં સાત ગુનાના આરોપી એવા ગાંધીધામના ભરત મોહનભાઈ ભદ્રા (ભાનુશાલી)ને પાસામાં અટક કરી વડોદરા મધ્યસ્થ જેલ મોકલી અપાયો છે. બંને બૂટલેગરોને ઝડપીને જેલમાં મોકલવાની કામગીરી પીઆઈ એન.એન. ચુડાસમા અને સ્ટાફે કરી છે.
Share it on
|