કચ્છખબરડૉટકોમ, કંડલાઃ ભ્રષ્ટાચારના અડ્ડામાં ફેરવાઈ ગયેલા કંડલા વિશેષ આર્થિક ઝોન (KASEZ)માં કસ્ટમ્સ વિભાગે ૧૫.૩૭ કરોડના આર્થિક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કૌભાંડ બદલ ગાંધીધામની કંપનીને કસ્ટમ વિભાગે નોટીસ ફટકારી છે. કંપનીએ અત્યારસુધી કૌભાંડ દ્વારા હજમ કરેલી કસ્ટમ ડ્યુટી, વ્યાજ અને દંડની વસૂલાત અંગે નોટીસ પાઠવાઈ છે. પ્રિન્સીપલ ડાયરેક્ટર ઑફ ઑડિટ (સેન્ટ્રલ) અમદાવાદ અને કંડલા કસ્ટમની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ તપાસ ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન ઈમ્પોર્ટ થયેલી ચીજવસ્તુ અંગે થઈ હતી. જેમાં ગાંધીધામની એક કંપનીએ આયાત કરેલા માલને ઓછી કસ્ટમ ડ્યુટી દરના કોડ હેઠળ ખોટી રીતે વર્ગીકૃત કરીને આયોજનબધ્ધ રીતે દાણચોરી કરી હતી.
કંપનીએ પેઈન્ટ સોલ્વન્ટ N80 ઈમ્પોર્ટ કરેલું પરંતુ તેને કસ્ટમ ટેરીફ હેડમાં તેને ટોલ્યુઈન તરીકે દર્શાવી તેનો કોડ ૨૯૦૨૩૦૦૦ દર્શાવ્યો હતો જેના પર ૨૧.૨૪ ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે.
ઑડિટમાં બહાર આવ્યું હતું કે કંપનીએ ટોલ્યુઈન નહીં પણ જેના પર ૩૦.૯૮ ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે તે પેઈન્ટ સોલવન્ટ કે જેનો કોડ ૩૮૧૪૦૦૧૦ છે તે ઈમ્પોર્ટ કરેલું. ખોટાં વર્ગીકરણના આધારે કંપનીએ સરકારને ૧૫.૩૭ કરોડની કસ્ટમ ડ્યુટી ઓછી ચૂકવી છે.
કંપનીએ ઈમ્પોર્ટ માલ ડોમેસ્ટિક માર્કેટમાં વેચી ખાધો
આ એકમે કસ્ટમ ડ્યુટીની ચોરી કરવા ઉપરાંત SEZના મળવાપાત્ર લાભનો પણ દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ ડ્યુટી ફ્રી માલ જે એક્સપોર્ટ કરવાના હેતુથી ઈમ્પોર્ટ કર્યો હતો કે માલ સ્થાનિક બજારમાં (ડોમેસ્ટિક માર્કેટ) વેચી ખાધો હતો, જે SEZ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. તપાસમાં સ્પષ્ટ થયું છે કે ૫૦ કરોડના માલની ઈમ્પોર્ટ સામે ચૂકવવાપાત્ર ૧૫.૪૯ કરોડની કસ્ટમ ડ્યુટી સામે કંપનીએ ૧૦.૬૨ કરોડની ડ્યુટી ગણીને ૪.૮૭ કરોડની ઓછી ડ્યૂટી ભરપાઈ કરી છે. ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ અને અન્ય ગેરરીતિઓથી વધારાની સાડા દસ ડ્યૂટી ચોરી થઈ છે.
બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરાઈ આચર્યું કૌભાંડ
કંપનીએ ખોટાં દસ્તાવેજો અને ડિક્લેરેશન રજૂ કરીને સમગ્ર કૌભાંડ આચર્યું છે. કૌભાંડમાં ઘણાં વચેટિયા, સપ્લાયર્સ અને લોજિસ્ટિક્સ હેન્ડલર્સ પણ સામેલ છે, જેઓ દસ્તાવેજોની ખોટી હેરફેર, બિનકાયદેસર નાણાં ટ્રાન્સફર અને લાંચ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. કંપનીનું SEZ લાઈસન્સ રદ્દ કરવાની સંભાવના સાથે ફોજદારી કેસ દાખલ કરવા પણ વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એક વરિષ્ઠ કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું કે કંપની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. કંપનીના સંચાલકો જો સંતોષકારક ખુલાસો ના કરે તો તેમને ફોજદારી કેસ ઉપરાંત મિલકત જપ્તી અને નાણાંકીય દંડનો સામનો કરવાનો વારો આવી શકે છે. કંપનીના ધીટ સંચાલકોનો આ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આવી કોઈ નોટીસ મળી ના હોવાનો લૂલો બચાવ કર્યો છે.
કંડલા સેઝના સ્થાપના દિવસના બહાને પણ મોટી કટકી
કંડલા સેઝમાં કાર્યરત અધિકારીઓ અને સ્ટાફની જાણકારી વગર કોઈ કંપની આ રીતે ચૂનો ચોપડતી રહે તે શક્ય નથી. આ કૌભાંડની ગહનપૂર્વક તપાસ થાય તો તેમની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે. આ ભ્રષ્ટ અધિકારીઓ દર વર્ષે કાસેઝના સ્થાપના દિવસના બહાને બે પાંચ મળતિયા છાપાઓમાં જાહેરાતો આપી, હોટેલમાં દોઢ બે લાખના ખર્ચે પુરસ્કારો એનાયત કરવાનું નાટક કરીને ઉજવણીના નામે દર વર્ષે મોટી રકમ દર્શાવીને હડપ કરી જતાં હોવાનું પણ સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાનો જાણકાર વર્તુળો દાવો કરે છે. કાસેઝના દરવાજે સિક્યોરીટી કરતાં કર્મચારીઓ પૈસા પામ્યાં વગર કામ કરતાં નથી ત્યારે ઉપરના અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે તો કલ્પના જ કરવી રહી.
Share it on
|