કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના અંતરિયાળ બેલા ગામે મોબાઈલમાં રમાતી ફ્રી ફાયર ગેમની આઈડી ના આપવાનું મનદુઃખ રાખીને ત્રણ કિશોરોએ ભેગાં મળીને ૧૩ વર્ષના કિશોરની ઘાતકી હત્યા કરી નાખી છે. બનાવ અંગે બાલાસર પોલીસે મોડી રાત્રે ગુનો નોંધીને ત્રણે કિશોરોની અટક કરી જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેમની આઈડી ના આપવાની અદાવતમાં કાવતરું ઘડ્યું
હત્યાનો બનાવ મંગળવારે બપોરે બે વાગ્યાના અરસામાં ગામના તળાવ નજીક આવેલા બગીચાની પાળે બન્યો હતો. પો.સ.ઈ. એસ.વી. ચૌધરીએ જણાવ્યું કે મરનાર પ્રવિણ નામેરીભાઈ રાઠોડ અને તેના ફળિયામાં રહેતાં અન્ય મિત્રો સૌ બગીચાની પાળે બેસીને મોબાઈલમાં ગેમ રમ્યાં કરતાં હતાં. આરોપીઓએ એકવાર પ્રવિણ પાસે ફ્રી ફાયર ગેમની આઈડી માંગેલી પરંતુ પ્રવિણે આઈડી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ બાબતની અદાવત રાખીને આરોપી ત્રણે મિત્રોએ તેની હત્યાનું કાવતરું ઘડીને તેને મોબાઈલ ગેમ રમવાના બહાને બગીચાની પાળે બોલાવ્યો હતો.
મોટા ભાઈની નજર સમક્ષ થઈ ઘાતકી હત્યા
પ્રવિણ જેવો ત્યાં આવ્યો કે એક જણે તેને પકડી રાખેલો અને બાકીના બે કિશોરે પોત-પોતાના હાથમાં રહેલી છરીઓથી તેના ગળા પર બે ઘા સહિત પેટ અને બંને હાથમાં આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરેલું. હત્યા સમયે યોગાનુયોગ તળાવમાંથી માટી કાઢીને ટ્રેક્ટરમાં લઈ જતો પ્રવિણનો ભાઈ જગદીશ નજીકમાં હાજર હતો. પ્રવિણની બૂમાબૂમ સાંભળીને નાના ભાઈને મારતાં ત્રણે આરોપીને જોઈને તે સ્થળ પર દોડ્યો હતો. જગદીશને આવતો જોઈ ત્રણે જણાં ગામમાં નાસી ગયાં હતાં. પ્રવિણ બગીચાની પાળ પરથી ફસડાઈને નીચે પડ્યો હતો. ગંભીર ઈજાઓથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ત્રણે આરોપીની જૂૂવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ અટક
હત્યાના બનાવને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની સૂચના મુજબ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં બાલાસર પોલીસે મોડી રાત્રે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ત્રણે કિશોરોની જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ તળે અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Share it on
|