કચ્છખબરડૉટકોમ, લંડન (ડૉ. હિરજી ભુડીયા) પુલવામામાં 44 જવાનોને પળવારમાં શહીદ બનાવનારાં આત્મઘાતી આતંકી હુમલાએ ભારત જ નહીં વિદેશ વસતાં એનઆરઆઈઝને પણ હચમચાવી નાખ્યાં છે.
Video :
એક તરફ, કચ્છભરમાં શહીદોને અંજલિ આપવા અલગ અલગ સંસ્થાઓ વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. બીજી તરફ, વતન કચ્છને છોડી બ્રિટનમાં સ્થાયી થયેલાં કચ્છીમાડુઓએ પણ શહીદોને અંજલિ આપવા ગઈકાલે ભજનસંધ્યાનું આયોજન કર્યું હતું.
જેમાં ગણતરીના કલાકોમાં કચ્છીમાડુઓએ શહીદોના પરિવારજનો માટે 27.82 લાખ રૂપિયા (30 હજાર પાઉન્ડ)નું માતબર ફંડ એકત્ર કરી દેશભક્તિની મિશાલ પૂરી પાડી હતી. સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર અને શામજી શિવજી દબાસીયા, ધનુ દેવજી દબાસીયા, લક્ષ્મણ શામજી વોરા, કસ્તુર લક્ષ્મણ વોરા પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજીત ભજનસંધ્યામાં હેરો-લંડનવાસી કચ્છીમાડુઓ ઉમટી પડ્યાં હતા. કચ્છ સાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. હિરજી ભુડીયા સહિતના આગેવાનો સહયોગી રહ્યા હતા. કાર્યક્રમની ચરમસીમાએ જ્યારે 'એ મેરે વતન કે લોંગો, જરા યાદ કુરબાની' ગીત ગવાયું ત્યારે આખા હોલની મેદનીએ પણ ભાવુક બની ગાયકોના સૂરમાં સૂર પૂરાવતાં દેશભક્તિનો અવર્ણનીય માહોલ સર્જાયો હતો.