કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં વ્યાજખોરોના અત્યાચારથી ત્રસ્ત હાર્દિક અનિલ જોશી નામના 34 વર્ષિય યુવકે એસીડ ગટગટાવી આપઘાતના કરેલાં પ્રયાસના કિસ્સાની પોલીસ યોગ્ય તપાસ ના કરતી હોવાનો ગાંધીધામ તાલુકા બ્રહ્મસમાજે આરોપ કર્યો છે. બ્રહ્મસમાજે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ગાંધીધામ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ સમીપ જોશી અને મંત્રી વિપુલ મહેતાએ આજે આ સંદર્ભે એસપી કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું છે કે, હાર્દિકે કોઈપણ વ્યાજખોર પાસેથી પૈસા લીધા નથી. છતાં હાર્દિક અને તેની ભાભીના નામની મિલકતોની ફાઈલો વ્યાજખોરો મેળવીને મિલકત હડપ કરી ગયાં છે. આ મિલકતો તેમને પરત અપાવવા પોલીસ કાર્યવાહી કરે તેમ બ્રહ્મસમાજે જણાવ્યું છે. હાર્દિક જ્યાં ટ્યુશન ક્લાસ ચલાવે છે ત્યાં આરોપીઓ જઈ તેને સતત ધાકધમકી કરી માર મારતાં હતા. આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારોને નશ્યત કરાવવા રજૂઆત કરાઈ છે. આદિપુરમાં વ્યાજખોરો અને પોલીસની સંડોવણીવાળા જૂના પ્રકરણનો ઉલ્લેખ કરી બ્રહ્મસમાજે માંગણી કરી છે કે જો આ ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ પોલીસકર્મી સામેલ હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. જો પોલીસ યોગ્ય પગલાં નહીં લે તો બ્રહ્મસમાજ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Share it on
|