કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ મિડિયા વિશે કહેવાય છે કે તેણે પોતાનાને દૂર અને દૂર રહેલાંને નિકટ લાવી દીધા છે. આખો દિવસ વોટસએપ કે ફેસબૂક પર તલ્લીન રહેતા લોકો જાણે સ્વકેન્દ્રી બની ગયાં હોય તેમ જણાય છે. જો કે, આ જ સોશિયલ મિડિયા ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં વસતાં હજારો આયડી પરિવારને એકછત્ર હેઠળ લાવવામાં નિમિત્ત બન્યું છે. બન્યું એવું કે થોડાંક સમય અગાઉ કચ્છમાં વસતા આયડી પરિવારના વોટસએપ ગૃપમાં કોઈકે ગુજરાતના ખૂણે-ખૂણે વસતાં સમાજના લોકોનું સ્નેહમિલન યોજવા વિચાર વ્યક્ત કર્યો હતો. ગૃપમાં સામેલ અન્ય સભ્યોએ આ વિચારબીજ ઝીલી લીધું. સ્નેહમિલનને મૂર્તિમંત કરવા યુવાનો રૂબરૂ મળ્યાં. સમિતિ બની. સ્નેહમિલન માટે સ્થળ અને તારીખ નક્કી થયાં. ને પછી સહુ સ્નેહમિલનમાં મહત્તમ પરિવારો ઉપસ્થિત રહે તે માટે મચી પડ્યાં. ભુજ નજીક કેરા ગામે ચોથી ડિસેમ્બરે સ્નેહમિલન યોજાયું ત્યારે આયોજનકર્તાઓને કલ્પના પણ ન્હોતી તેટલાં ચારેક હજાર લોકોનો સમૂહ જામનગર, રાજકોટ સહિતના શહેરોમાંથી ઉમટી પડ્યો હતો. ખાસ કરીને, કચ્છના ખૂણે ખૂણે વસતાં પરિવારો તો અચૂકપણે હોંશભેર જોડાયાં હતા. સ્નેહમિલન સાથે આયડી પરિવારના કૂળદેવી મા જોગમાયા અને આશાપુરા માતાજીની વાર્ષિક પૂજા-પેડીના ધાર્મિક કાર્યક્રમ સાથે રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાં હતા. જેમાં અક્ષય મારાજ, મહેશ માતંગ અને મંજુલાબેન આયડી જેવા કલાકારોએ રાસની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં મહેમાન તરીકે મુંદરા-ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ભુજ તાલુકા મહેશ્વરી સમાજનાં પ્રમુખ મંગલભાઈ ફમા, કેરા ગ્રામ પંચાયતનાં ઈન્ચાર્જ સરપંચ દિનેશભાઇ હાલાઇ, કેરાના સામાજિક આગેવાનો વિજયસિંહજાડેજા, ઘનશ્યામભાઈ ટાપરિયા, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, HJD કોલેજના ચેરમેન જગદીશભાઈ હાલાઈ, મહેશ્વરી સમાજનાં સામાજિક આગેવાનો ભરતભાઈ પાતારીયા (મુંદરા) પ્રેમજીભાઈ પાતારીયા (ભારાપર), રામજીભાઈ પાતારીયા (કેરા) સહિત વિવિધ ગામોનાં સામાજિક-રાજકીય આગેવાનો જોડાયાં હતા. આ પ્રસંગે આયડી પરિવારની એકતાની જ્યોતને સદૈવ પ્રજ્વલિત રાખવા દર વર્ષે આવું સ્નેહમિલન યોજવા આયોજકોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આયોજનને સફળ બનાવવા માટે વડીલોનાં માર્ગદર્શન હેઠળ યુવાનો-કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ, પોલીસ તથા હોમગાર્ડ વગેરેએ વ્યવસ્થામાં પૂરતો સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન નરેશભાઇ એન.આયડીએ કર્યું હતું.
Share it on
|