કચ્છખબરડૉટકોમ, ભુજઃ ત્રણ દાયકા દરમિયાન ભુજના સેંકડો વિદ્યાર્થીઓને સુશિક્ષિત કરી જીવનમાં સફળ બનાવનાર આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર કોઈ ખાનગી ટ્યુશન ક્લાસ નહીં પણ ગુરુ અને છાત્રોનો એક પરિવાર છે. અહીં ભણેલાં અનેક છાત્રો આજે સફળતાના શિખરે બીરાજે છે. આવા જ એક પૂર્વ છાત્ર રવિ આર.સોલંકીએ આલ્ફા પ્લસની મુલાકાત લઈ ધોરણ ૧૨ના ૧૪૦ છાત્રોને ગુજરાત જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે બહુમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.
રવિ સોલંકીએ આલ્ફા પ્લસમાં જ અભ્યાસ કરીને ૨૦૦૨માં ધોરણ ૧૦ અને ૨૦૦૪માં ધોરણ ૧૨ની પરીક્ષામાં જ્વલંત સફળતા હાંસલ કરી હતી. ત્યારબાદ તેઓ શિક્ષક બન્યાં હતા અને તેમાંથી આચાર્યપદ સુધી પહોંચ્યા હતા. છેલ્લાં આઠ વર્ષથી ભારાપર ગૃપ શાળાના આચાર્યપદે છે. ૨૦૧૩માં રવિ સોલંકીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવીને સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકેની નોકરી મેળવી હતી. આ પરીક્ષામાં અગાઉ તેઓ બેવાર નાપાસ થયાં હતા છતાં તેમણે હામ હાર્યાં વગર મહેનત ચાલું રાખી હતી.
સોલંકીએ આલ્ફા પ્લસ પરિવારના છાત્રોને સમજાવ્યું કે ભણવામાં ઊંચી ટકાવારી આવે તે જરૂરી નથી, સરેરાશ મધ્યમ સ્તરના વિદ્યાર્થી પણ સફળતા હાંસલ કરી શકે છે, જરૂરી એ છે કે ધ્યેય નક્કી કરી તેની પાછળ મચી પડવું.
એકવાર સફળ ના થાવ તો બીજીવાર, ત્રીજીવાર પણ નિષ્ફળતાથી હતાશ થયા વગર નિશ્ચિત ધ્યેય હાંસલ કરવા પ્રયાસરત રહો તો સફળતા કદમ ચૂમતી આવે જ છે. આલ્ફા પ્લસના સંસ્થાપક મોહમ્મદ મોરાણીએ પોતાના પૂર્વ છાત્રનું અભિવાદન કરી જીવનમાં સફળતા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે માત્ર બે જ વિદ્યાર્થીનીઓ સાથે ૧૯૯૫માં મોરાણીએ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની શરૂઆત કરી હતી. આજે ત્રણ દાયકા નજીક પહોંચેલી શિક્ષણ યાત્રામાં આલ્ફા પ્લસ ૧૨૦૦થી વધુ છાત્રો અને ૨૨થી વધુ શિક્ષકો પરિવારનો હિસ્સો બની ચૂક્યાં છે.
Share it on
|