કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં માનવસેવાની ધુણી ધખાવીને બેઠેલી માનવજ્યોત સંસ્થાએ રખડતાં-ભટકતાં 11 માનસિક દિવ્યાંગોને આશરો આપી, તેમની સેવા-સારવાર કરી સ્વસ્થ બનાવી તેમના ઘરે પરત મોકલી આપ્યાં છે. ભુજના પાલારા ખાતે સંસ્થા દ્વારા સંચાલિત રામદેવ સેવાશ્રમ ખાતે આજે ચાર મહિનાની સારવાર બાદ સ્વસ્થ બનેલાં માનસિક દિવ્યાંગોને પુનઃ તેમનાં ઘરે મોકલી અપાયાં હતા. જૂલાઇ-૨૦૧૭માં શરૂ થયેલા આ આશ્રમમાં માત્ર નવ માસનાં ગાળા દરમ્યાન રસ્તે રઝળતાં ૬૧ મનોરોગીઓની સેવા-સારવાર કરાઈ તેમના ઘર સુધી પહોંચાડાયાં છે. આ કામગીરીમાં ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના ડૉ. મહેશભાઇ ટીલવાણી અને ડૉ. ધ્વનિત દવે પણ કડીરૂપ બન્યાં હતા. દરેકનાં મેડીકલ ટેસ્ટ રિપોર્ટ તથા એચ.આઇ.વી. ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં દરેકનાં એચ.આઇ.વી. રીપોર્ટ નીલ આવ્યા હતા. આશ્રમમાં દાખલ કરાતાં અને ઘરે મોકલાતાં મનોરોગીઓની જાણ તેમના ફોટોગ્રાફ સહિત ભુજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનને આપવામાં આવે છે. છેલ્લાં ચાર મહિના દરમિયાન કચ્છમાં રસ્તે રઝળતાં અને જુદાં-જુદાં વિસ્તારોમાં પડ્યાં-પાથર્યાં રહેતા ૧૧ પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોને પાલારા આશ્રમ મધ્યે લઇ જઇ સારી સારવાર અપાતાં તેઓની યાદશક્તિ તાજી થતાં તેમની પાસેથી મળેલી માહિતીના આધારે તેમના રાજ્ય-ગામ-પરિવારને માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા હતા. દરેક રાજ્યોનું પોલીસ તંત્ર માનવતાનાં આ કાર્યમાં સાથ અને સહકાર આપે છે. જેથી આવા માનસિક દિવ્યાંગોના ઘર શોધવામાં સંસ્થાને સફળતા મળે છે. અત્યારે રામદેવ સેવાશ્રમમાં સારવાર લઇ રહેલા ૨૮ માનસિક દિવ્યાંગો પૈકી ૧૧ માનસિક દિવ્યાંગોના ઘર શોધી તેમને આજે પરત તેમના ઘર-સ્વજનો પાસે મોકલાયાં હતા. આ પરપ્રાંતિય માનસિક દિવ્યાંગો આંધ્રપ્રદેશ, યુ.પી., મધ્યપ્રદેશ, ઓડિશા, બિહાર, પંજાબ, તામિલનાડુ વગેરે રાજ્યોનાં હતા. જે રખડતાં ભટકતાં ટ્રેઈન મારફતે ભુજ આવી પહોંચ્યા હતા. સેવાશ્રમના પ્રાર્થના ખંડમાં આ ૧૧ માનસિક દિવ્યાંગોને કંકુ-ચોખા, તિલક કરી, હારારોપણ કરી, શાલ ઓઢાડી સત્કારવામાં આવ્યાં હતા અને ભાવિ સુખમય સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે નગરસેવક માલશીં નામોરી, નારી શક્તિ વિકાસ ટ્રસ્ટના રહિમાબેન સમા, માનવમિત્ર વલ્લભજીભાઇ ડી. શાહ, ઝહીર સમેજા, જયાબેન મુનવર, પ્રેમચંદ દંડ, અભય ધરમશીં, દક્ષાબેન છેડા, કિરણ દરજી, ડોલર લોડાયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રારંભે સંસ્થાના સુરેશભાઇ માહેશ્વરી અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. નિતીનભાઇ ઠક્કર અને શંભુભાઇ જાષીએ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવવાનાં કાર્યની સમજ આપી હતી. મહિલાઓએ દરેક માનસિક દિવ્યાંગોને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. રામદેવ સેવાશ્રમની સેવાઓથી ખુશખુશાલ માનસિક દિવ્યાંગોની આંખોમાં હર્ષનાં આંસુ વહ્યા હતા. તેઓએ ઉપસ્થિત સહુને હાથ જોડી ભાવથી વંદન કરી ઘરે જવાની ખુશી વ્યક્ત કરી હતી. માનવજ્યોત અને રામદેવ સેવાશ્રમ પાલારાનાં પ્રમુખ પ્રબોધ મુનવર અને પ્રતાપ ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ ૧૧ માનસિક દિવ્યાંગોને કર્જતનાં શ્રદ્ધા રીહેબીલીટેશન ફાઉન્ડેશન સંસ્થામાં પહોંચાડવામાં આવ્યાં હતા. જ્યાં સંસ્થાના સંચાલક ડૉ. ભરતભાઇ વટવાણીએ સૌને આવકાર આપ્યો હતો. શ્રદ્ધા ફાઉન્ડેશન, કર્જત દ્વારા દરેકને ઘર સુધી પહોંચાડાશે. માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, જેરામ સુથાર, મુળજીભાઇ ઠક્કર, દિપેશ શાહ, આનંદ રાયસોની, ભુપેન્દ્રભાઇ બાબરીયા, પ્રવિણભાઇ ભદ્રા, પ્રવિણભાઇ પરમાર, રામદેવ સેવાશ્રમ સ્ટાફ તથા સર્વે કાર્યકરોએ કડીરૂપ બન્યાં હતા.
Share it on
|