કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૨૦૧૭નું સરવૈયું કાઢીને વીતેલા વર્ષને વિદાય આપવા અને ૨૦૧૮ના નવા વર્ષને આવકારવા માટે સર્વત્ર થનગનાટ જોવા મળી રહ્યો છે. ૨૦૧૭ના વર્ષને વિદાય સાથે જ નવી આશા અને અરમાન સાથે ૨૦૧૮ના વર્ષના આગમનની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ૨૦૧૮ના વર્ષને આવકારવાની સાથે જ સરકારી, અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ જાહેર રજાને લઇને પણ સરવૈયું કાઢી રહ્યા છે. જો કે, ૨૦૧૮ના વર્ષમાં ચાર જેટલી જાહેર રજાને રવિવારનું ગ્રહણ નડતું હોઈ કર્મચારીઓની રજા કપાઇ જશે. આખા વર્ષમાં નવેમ્બરમાં સૌથી વધુ પાંચ રજાનો લાભ મળશે. એટલું જ નહીં, જાન્યુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં બેથી પાંચ દિવસના ૬ મિની વેકેશનની મોજ પણ માણી શકાશે. સામાન્યપણે સરકારી કર્મચારીઓને રવિવારના દિવસે આવતી રજા પ્રત્યે હંમેશા અણગમો રહે છે, પરંતુ ૨૦૧૮ના વર્ષમાં આ અણગમો વધી જશે એમાં કોઇ બેમત નથી. કારણ કે, ૨૦૧૮માં રવિવાર ચાર રજાનો ભોગ લેશે. રાજ્ય સરકારના જાહેર રજાના નોટિફિકેશન પર નજર કરીએ તો, ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, ૧૮ માર્ચે ચેટીચાંદ, ૨૫ માર્ચે રામનવમી અને ૨૬ ઓગસ્ટે રવિવાર હોવાથી રજા કપાઇ જશે. માસ પ્રમાણે મે અને જૂલાઇમાં એકેય જાહેર રજા રહેશે નહીં. જ્યારે નવેમ્બર માસમાં દિવાળી પર્વની ઝાકમઝોળ વચ્ચે પાંચ જેટલી રજાઓ આવશે. વળી, માર્ચ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ત્રણ-ત્રણ રજાઓ આવશે. આ સિવાય જાન્યુઆરીમાં એક, ફેબ્રુઆરીમાં બે, એપ્રિલમાં બે, જુનમાં એક, ડિસેમ્બરમાં એક રજા આવશે.
Share it on
|