કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગ અને સંગઠનોને એક છત્ર નીચે લાવનાર ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) અને અમેરિકાની પેન્સિલ્વેનિયા ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે આંતરરાષ્ટ્રીય ભાગીદાર કરાર કરાયા છે. મંગળવારે સાંજે એક વર્ચ્યુઅલ હસ્તાક્ષર સમારોહનું આયોજન કરાયું હતું. ફોકિયાની વર્ષ 2000માં સ્થાપના થઈ હતી. જે કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસની ગતિ વધારવા માટે નીતિ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે કાર્યરત છે. કચ્છમાં સ્થાપિત એક લાખ પચાસ હજાર કરોડના રોકાણ- ઔદ્યોગિક એકમોનું તે પ્રતિનિધિત્વ કરે છે અને કચ્છ-ગુજરાતમાં વધુ ઔદ્યોગિક રોકાણ આવે તે માટે નિરંતર પ્રયાસરત છે. પેન્સિલ્વેનિયા ચેમ્બરની સ્થાપના 16 ડિસેમ્બર 1916ના રોજ કોમનવેલ્થના 100થી વધુ પ્રભાવશાળી ઉદ્યોગપતિ નેતાઓના જૂથ દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક હેરીસબર્ગ (યુ.એસ.એ.)માં આવેલું છે.
કરાર હેઠળ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પરસ્પર વિમર્શ થશે
આ કરાર આંતરરાષ્ટ્રીય ભાગીદારી કરાર છે કે જેનો આશય વેપાર અને રોકાણની તકોને પ્રોત્સાહન આપવાનો છે. બંને રાજ્યોમાં સમાન વેપાર ધરાવતા બંને સંગઠનો સંયુક્તપણે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. બંને રાજ્યોની કંપનીઓ વચ્ચે વ્યાવસાયિક તકોને અનુલક્ષીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યો અને દેશોની કાનૂની, આર્થિક, નાણાંકીય તેમજ આર્થિક માહિતીનું આદાનપ્રદાન કરાશે. વિશિષ્ટ ઉત્પાદનો અથવા સેવાઓના વેપાર, મૂડી રોકાણો, તકનીકી વિકાસ, શૈક્ષણિક ભાગીદારી અને બજાર સંશોધન સંબંધિત માહિતીની અંગે વિમર્શ કરાશે.
ભારત-પેન્સિલવેનિયા વચ્ચેનો વેપાર 3.21 અબજ ડોલર
પેન્સિલ્વેનીયા સ્ટેટ જહાજો, લોખંડ, રસાયણો, લાટી, તેલ, કાપડ, કાચ, કોલસો અને સ્ટીલનું મુખ્ય ઉત્પાદક છે. ત્યાંના અર્થતંત્રનો આધાર ઉત્પાદન, કૃષિ, ખાણકામ અને પર્યટન સેવાઓ પર રહેલો છે. ભારત અને પેન્સિલવેનિયા વચ્ચેનો કુલ વેપાર વધીને 3.21 અબજ ડોલર (2019) સુધી પહોંચી ગયો છે. આજે 18થી વધુ ભારતીય કંપનીઓ, 540 મિલિયન ડોલરના રોકાણ સાથે પેન્સિલવેનિયામાં 3 હજાર નોકરીને ટેકો આપી રહી છે. ફૂડ પ્રોસેસીંગ, કૃષિ, આઈટી અને કેમિકલ્સ ક્ષેત્રે ફેલાયેલી પેન્સિલવેનીયાસ્થિત ઘણી યુએસ કંપનીઓ ભારતમાં કાર્યરત છે. કેટલાંક નોંધપાત્ર રોકાણોમાં હર્ષિ, ક્રાફ્ટ હેઇન્ઝ, યુનિસીસ, એર પ્રોડક્ટ્સ અને કેમિકલ્સ, એફએમસી સહિતની અન્ય કંપનીનો સમાવેશ થાય છે.
જાણો સમારોહમાં કોણ કોણ રહ્યું ઉપસ્થિત
વર્ચ્યુઅલ હસ્તાક્ષર સમારોહમાં રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ડેવિડ બ્રાયલ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પેન્સિલવેનિયા ઓફિસ ઑફ ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટ, પેન્સિલવેનિયા- ડીપાર્ટમેન્ટ ઓફ કૉમ્યુનિટી એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ) નિમિષ ફડકે (એમડી, ફોકિયા) ગેની બાર (પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ, પીએ ચેમ્બર) એલેક્સ હેલ્પર (મસ્કન્સ ગ્લોબલ યુએસએના પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ) વિલ્ફ્રેડ મસ્કન્સ, કનક ડેર (જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કચ્છ) ફોકિયાના ડિરેક્ટર તલકશી નંદુ, ચિંતન ઠાકર, શરદ ભાટિયા, રક્ષિત શાહ (અદાણી ગૃપ) નવઘણ આહીર (પ્રમુખ, કચ્છ ટ્રક ઓનર્સ એસો) વગેરે મહાનુભાવ જોડાયાં હતા. પેન્સિલવેનિયાના રાજદૂત કનિકા ચૌધરીએ પીએ ચેમ્બરને જોડવામાં અને કરારના અમલીકરણ માટે ખાસ પ્રયત્નો કર્યા છે. પેનસિલ્વેનીયા ચેમ્બર સાથેના ભાગીદારી કરારના અમલીકરણ સંદર્ભે વિલફ્રેડ મસ્કન્સને ફોકિયાના સત્તાવાર પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Share it on
|