કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ તરીકે જ નહીં પરંતુ દુનિયાના અન્ય કોઈ કરતાં પણ વધુ અબજોની કમાણી કરીને ટોચના કમાઉ ઉદ્યોગકાર તરીકે ૨૦૨૨ના વર્ષને શુકનવંતુ વર્ષ માની એક યાદગાર વર્ષ તરીકે વિદાય આપી રહ્યા છે. અદાણી ગૃપના શૅરોમાં તેજીની તેજતર્રાર ગતિના મજબૂત તરાપાની મદદથી આ શક્ય બન્યું છે. અદાણી ગૃપના શૅરોએ આ વર્ષે રોકાણકારોને શાનદાર વળતર આપવા સાથે બખ્ખાં કરાવી દીધાં છે, જેમાં મહાકાય સાતમાંથી ચાર સ્ટોક્સએ ૨૦૦% સુધી મલ્ટિબેગર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં ઉદ્યોગ સમૂહની કુલ માર્કેટ કેપ જે ૨૦૨૧માં રૂ. ૯.૬ લાખ કરોડની હતી તેની તુલનાએ ડિસેમ્બર મધ્યે લગભગ બમણી થઈને રૂ. ૧૮.૬ લાખ કરોડ થઈ ગઈ છે.
જગતભરના સૌથી ૫૦૦ ધનિક લોકોને દરજ્જો આપતા બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દર્શાવે છે કે ગૌતમ અદાણી ૨૦૨૨માં ૪૭ બિલિયન ડોલરથી અમીર બન્યાં છે. આ યાદીમાં સૌથી નીચે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક છે, જેઓ અદાણી અને વિશ્વના નંબર ૨ કરતાં અમીર હોવા છતાં આ વર્ષે તેમણે ૧૧૪ અબજ ડૉલર ગૂમાવ્યાં છે. અમદાવાદના ૬૦ વર્ષીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી શ્રીમંતોની યાદીમાં અંદાજિત નેટવર્થ ૧૨૪ બિલિયન ડૉલર સાથે મસ્ક (૧૫૬ બિલિયન ડોલર) અને ફ્રેન્ચના લક્ઝરી રીટેઈલ કિંગ બર્નાર્ડ આર્નોલ્ટ (૧૬૩ બિલિયન ડોલર) કરતાં પાછળ છે.
અમદાવાદ સ્થિત વૈશ્વિક અદાણી સમૂહ હવે મીડિયા બ્રોડકાસ્ટર NDTVનું સંપાદન પૂર્ણ કરવાના આખરી તબક્કામાં છે. વર્ષના આરંભમાં અંબુજા સિમેન્ટ અને ACC ખરીદીને ભારતની તે બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની બની હતી.
એશિયાના હિરોઝ ઓફ ફિલાન્થ્રોપી ૨૦૨૨ની યાદીમાં પણ ગૌતમ અદાણી સમાજ કલ્યાણના કાર્યો માટે શિરમોર રહ્યાં છે. ગત જૂનમાં તેઓ ૬૦ વર્ષના થયાં ત્યારે ૬૦૦ અબજ રૂપિયા (7.7 બિલિયન ડોલર)ના ડોનેશનનું વચન આપેલું, જેના કારણે તેઓ વિશ્વના સૌથી ઉદાર પરોપકારી ઉદ્યોગપતિઓમાંના એક બન્યાં હતાં. આ નાણાંનો ઉપયોગ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કરવા તેમણે સંકલ્પ કર્યો છે.
૧૯૭૮ની સાલમાં દક્ષિણ મુંબઈની કૉલેજમાંથી બહાર નીકળેલાં ગુજરાતી યુવા ઉદ્યોગ સાહસિકે અદાણી એક્ષપોર્ટ શરૂઆત કરતાં પહેલાં મુંબઇની ધનજી સ્ટ્રીટમાં હીરાના નાના વેપારી તરીકે વેપાર-વણજની સફર શરૂ કરી હતી, પાછળથી અદાણી એક્ષપોર્ટ્સનું નામકરણ અદાણી એન્ટરપ્રાઈઝ તરીકે કરવામાં આવ્યું હતું.
Share it on
|