કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સૂચિત વ્હિકલ સ્ક્રેપ પોલીસી અમલી થઈ જશે તો ‘સાગરમાલા’ પ્રોજેક્ટ હેઠળ કંડલા જેવા દેશના વિવિધ બંદરો પર વ્હિકલ સ્ક્રેપ માટે ખાસ ઑટોમોબાઈલ ક્લસ્ટરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્લસ્ટરમાં સ્ક્રેપ વાહનોમાંથી નીકળતાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિકનું રીસાયકલીંગ કરાશે. ઑટો પાર્ટ્સ છૂટાં પડાશે. જેથી નવા વાહનોના નિર્માણનો ખર્ચો પણ ઘટશે અને આ રીતે બંદરો પર સ્થાપિત આવા ઑટો ક્લસ્ટર્સ ‘ગ્લોબલ વ્હિકલ સ્ક્રેપ’ના હબ બનશે. એક રાષ્ટ્રીય સમાચાર સંસ્થાને આપેલા વિશેષ ઈન્ટરવ્યૂ દરમિયાન કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બયાન આપ્યું છે. સૂચિત પોલીસી આગામી એક માસમાં જ કેબિનેટ સમક્ષ રજૂ કરાશે. સરકારે હવે 15 વર્ષના બદલે 20 વર્ષ કે તેથી વધુ જૂનાં કૉમર્સિયલ વાહનો ફરજીયાત ભંગારવાડે મોકલવાની નીતિ અમલી બનાવવાનું નક્કી કર્યું છે. વાહનમાલિકોની લોન સહિતના વિવિધ મુદ્દાને ધ્યાને રાખી હવે 20 વર્ષ જૂનાં વાહનો માટે આ પોલીસી ફરજીયાત કરવા નિર્ણય લેવાયો છે. ગડકરીએ જણાવ્યું છે કે, દેશના માર્ગો પર ફરતાં આવા જૂના વાહનો જ 65 ટકા પ્રદૂષણ ફેલાવે છે. આ નિયમ 1 એપ્રીલ 2020થી લાગુ કરવાનું આયોજન છે. જૂના વાહનો સ્ક્રેપ કરી નવા ખરીદનારાં લોકોને 15થી 20 ટકાનો ફાયદો થશે. જો કે, તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલો હિસ્સો હશે તે હવે નક્કી થશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સૂચિત પોલીસી GST કાઉન્સિલ સમક્ષ રજૂ કરાશે. એક શક્યતા એવી પણ ચર્ચાઈ રહી છે જૂનું વાહન ભંગારવાડે મોકલી નવું વાહન ખરીદનારાં લોકોને GSTમાં 10 ટકાનું કન્સેશન આપવું. ગડકરીએ જણાવ્યું કે, સ્ક્રેપ પોલીસી અમલી બન્યાં બાદ ઑટોમોબાઈલ સેક્ટરમાં પણ તેજી આવશે. નવા વાહનોના ઉત્પાદનમાં 22 ટકાનો વધારો થવાની શક્યતા છે. પોલીસી અમલી બન્યે દેશની તીજોરીમાં પણ વધારાના 10 હજાર કરોડની આવક થવાનો ગડકરીએ આશાવાદ દર્શાવ્યો હતો.
Share it on
|