કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોરોનાની મહામારી વચ્ચે ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક સરકારી નિર્દેશોનું પાલન કરી ગ્રાહક સેવા આપવામાં અડીખમ રહી છે. ગ્રાહકો સાથે જરૂરતમંદો માટે પણ બેન્કે સેવાની સરવાણી વહાવી છે. બેન્ક દ્વારા ગ્રાહકો અને જરૂરતમંદોને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ગરીબોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું બેન્કના ઈન્ચાર્જ ચેરમેન રશ્મિન પંડ્યાએ જણાવ્યું છે. બેન્કની સામાજિક સેવાને બિરદાવતા ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબીયાએ જણાવ્યું કે, બીએમસીબી બેન્કે દરેક વિકટ પરિસ્થિતિમાં સામાજિક સેવાકીય કાર્યો કરી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. 2001ના ભૂકંપ વખતે સભાસદોને રૂપિયા 3 હજાર સુધીની રોકડ સહાય અપાઈ હતી. કન્યા કરિયાવર યોજના હેઠળ અઢીસો ગ્રામ ચાંદીનું વિતરણ, 500 જેટલાં વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ, વડિલ વંદના યોજના હેઠળ વડિલો માટે યાત્રા પ્રવાસ કરી માનવતાના દર્શન કરાવ્યાં છે. બેન્કના જનરલ મેનેજર સ્મિત મોરબીયાએ જણાવ્યું કે કોરોના સામે સેવા હેતુ બેન્કના બૉર્ડ ઑફ ડાયરેક્ટર્સ, એડવાઈઝર્સ દ્વારા 60 હજાર અને કર્મચારી-અધિકારીઓએ એક દિવસના પગારરૂપે 45 હજાર મળી કુલ 1 લાખ 5 હજાર રૂપિયા રાહતકાર્ય માટે દાનમાં અપાયા છે. ગાંધીધામમાં નંદલાલ ગોયલના માર્ગદર્શન હેઠળ ગરીબ પરિવારો અને શારીરિક વિકલાંગોને કુલ 156 રાશન કીટનું વિતરણ કરાયું છે. રેલવે હોસ્પિટલ અને ગળપાદર જેલમાં 30 પીપીઈ કીટ આપવામાં આવી હતી. અસહ્ય ગરમી વચ્ચે રોડ પર ફરજ બજાવી રહેલાં પોલીસ જવાનોને બેન્ક દ્વારા એનર્જી જ્યુસ, ગ્લુકોઝ, બિસ્કીટ, સેનિટાઈઝર્સ, ગ્લોવ્ઝનું વિતરણ કરાયું હતું તેમ ડાયરેક્ટર ડી.એન.દ્વિવેદી, મેહુલ હિરાણી, ચેતન મહેતા અને એડવાઈઝર નીતિન સંઘવી, વિરેન શાહ, કિરીટ પલણે જણાવ્યું હતું. બેન્કે લૉકડાઉનની પરિસ્થિતિમાં બેન્કના સિનિયર સિટીઝન ખાતેદારોને ઘેર રૂબરૂ જઈ 50 હજાર સુધીની રોકડ ઉપાડની સુવિધા આપી હતી. તો, ફિક્સ ડિપોઝીટ રીન્યુઅલ માટેની પણ ઘેરબેઠાં સુવિધા આપવા કમર કસી છે. ઘેરબેઠાં રોકડ મેળવવા માટે બેન્કનો 7043216682 (ભુજ) અને 7043216697 (ગાંધીધામ) પર સંપર્ક કરવા જણાવાયું છે.
Share it on
|