કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં યુટ્યુબ ચેનલો, ચોપાનિયાં અને ફરફરિયાંના નામે ફરતાં અનેક તોડબાજો ક્યાંક કોઈ ઉદ્યોગ એકમ કે ઈવન નાના પાયે ખનિજ લીઝની પર્યાવરણીય લોકસુનાવણી હોય તો ત્યાં ગેંગ બનાવીને અચૂક પહોંચી જાય છે. એ જ રીતે, ગામમાં જ્યાં ધાર્મિક કથા સપ્તાહો બેસે, સરકારી કચેરીઓમાં લોકો આવેદન પત્રો આપવા જાય ત્યારે ન્યૂઝ કવરેજના નામે પહોંચી જાય છે. ‘પોઝીટીવ ન્યૂઝ કવરેજ’ના નામે પાંચસો હજાર રૂપિયાની દા’ડી કમાઈ ખાય ત્યાં સુધી ઠીક છે. પરંતુ, બ્લેકમેઈલીંગ પર ઉતરી આવે તે જરાય સાંખી ના લેવાય.
તોડબાજીમાં ચીરકૂટ પત્રકારો તો ઠીક કહેવાતી મોટી ટીવી ચેનલોના માઈક લઈને ફરતાં કરાર આધારીત કન્ટેન્ટ ફીડર્સ પણ સામેલ છે.
ટીવી ચેનલમાં ભલે આખા વરસના બે ચાર સમાચાર પ્રસારિત થાય પરંતુ આ ‘સોફિસ્ટીકેટેડ તોડિયા’ ચોવીસે કલાક તેમના વોટસએપ ન્યૂઝ ગૃપ કે ટ્વિટર પર આખી દુનિયાના ન્યૂઝની કન્ટેન્ટને કોપી પેસ્ટ કરીને જાણે પોતે જ રીપોર્ટીંગ કરવા ગયાં હોય કે ફર્સ્ટ હેન્ડ ન્યૂઝ તેમને જ મળ્યાં હોય તેવો મેમ્બર્સ યા ફૉલોઅર્સમાં ભ્રમ સર્જે છે!
પોતાને એક મોટી ન્યૂઝ ચેનલનો સ્વઘોષિત સિનિયર કોરસપોન્ડન્ટ’ ગણાવતો ‘રાજરત’ ચેનલનો ગંઢેચો અને તેના સાગરીતો તો વળી પોલીસ અને વહીવટી તંત્ર, સેન્ટ્રલ અને સ્ટેટ આઈબી,, ડિફેન્સના અધિકારીઓ, કચ્છની મુલાકાતે આવતાં મંત્રીઓ સાથે સેલ્ફી પડાવી, ગામને ઈમ્પ્રેસ કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ગેંગના અન્ય સાગરીતો એવા ઈન્ડિ ન્યૂઝ, પાટનગર ન્યૂઝ વગેરે જેવા સાતેક તોડબાજ સાગરીતોને રોજ તોડ માટે નવા નવા ટાર્ગેટ આપે છે.
આ ગેંગ ઉચ્ચ અધિકારીઓના નામે જાંસો આપીને, અધિકારીઓ સાથેની સેલ્ફી કે ફોટો વિક્ટીમને બતાવી યા ટ્વિટર પર નેતાએ કરેલી કોમેન્ટના સ્ક્રિનશોટ બતાડીને ભુજ-ગાંધીધામના સ્પાવાળા, આરટીઓ, ખાણ ખનિજના અધિકારીઓ ધંધાદારીઓને આંજવાના હવાતિયાં મારી તોડ કે માસિક હપ્તા ગોઠવે છે. આ ગેંગ અધિકારીઓ સાથેના સંબંધોની દુહાઈ દઈ સેટીંગ કરી આપવા સુધીની ઑફર સુધ્ધાં કરે છે.
આ તોડિયાઓ લોકોને આંજવા કે વિશ્વાસમાં લેવા માટે અધિકારીઓ સાથેના ફોટોગ્રાફ યા સેલ્ફી, અધિકારીઓ સાથે થયેલી ચેટ, પોતાના ન્યૂઝ ગૃપમાં સામેલ હોય તેવા અધિકારીઓના નામ નંબર સાથેના સ્ક્રિનશોટ્સ અને ઑડિયો રેકોર્ડિંગ બતાડતાં સંભળાવતાં ફરે છે!
કસ્ટમ અને ડિફેન્સના અધિકારીઓ સાથે સંબંધો કેળવીને આ ગેંગ ભુજ ગાંધીધામમાં મળતિયાઓ મારફતે વિદેશી શરાબની બાટલીઓનું વેચાણ કરતી હોવાનો સૂત્રોનો દાવો છે.
આજકાલ આ ગેંગ ભુજના એક સિનિયર તબીબ પરિવારની જમીનના ડખામાં આરટીઆઈ કરીને મોટો તોડ કરવાની ફિરાકમાં છે.
થોડાંક સમય અગાઉ આ ગેંગ દેશના અન્ય રાજ્યની સંવેદનશીલ સરહદે પહોંચેલી અને એનઆઈએ ઝડપેલાં એક આતંકીના મોબાઈલમાંથી મળેલી તસવીરના આધારે તપાસનો રેલો કચ્છ સુધી આવ્યો હતો. આ તપાસ હજુ ચાલું છે.
તપાસમાં ગેંગનો એક સાગરીત કે જે આરટીઓના મુસા તરીકે ઓળખાય છે તેણે ભુજમાં એક પ્રતિબંધિત સંગઠનના પદાધિકારીઓની મીટીંગમાં ભાગ લીધો હોવાનું ખૂલ્યું હતું.
પોલીસ આવા તોડિયાઓની ચાકી ટાઈટ કરે તે જરૂરી છે. રાજ્યના પોલીસ વડાએ આવા આરટીઆઈ એક્ટિવીસ્ટ કમ તોડબાજ પત્રકારો સામે એક્શન લેવા આદેશ કર્યો છે ત્યારે પશ્ચિમ કચ્છના એસપી આવા સોફિસ્ટીકેટેડ તોડબાજો સામે સકંજો કસે છે કે કેમ તે જોવું રહ્યું.
Share it on
|