કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં છેલ્લાં ૮ દિવસની અંદર ત્રણ મહત્વના પોલીસ મથકના બે પોલીસ ઈન્સ્પેક્ટરો અને બે પીએસઆઈની બદલીઓ થઈ જતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર સર્જાઈ છે. ગાંધીનગરથી આવતી ‘રાજકીય’ સૂચના સાથે સ્થાનિક અધિકારીઓના આંતરિક પોલિટીક્સ અને અંગત અદાવતમાં નિષ્ઠાવાન અધિકારીઓની આડેધડ બદલીઓ થતી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. ♦૭મી એપ્રિલના રોજ ભુજ એ ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદીને એસપીએ આપેલા હુકમના પગલે પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળેલી ટેલિફોનિક સૂચનાના આધારે તત્કાળ બદલી કરાઈ લીવ રીઝર્વમાં મૂકી દેવાયાં હતાં. કચ્છના સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી જોડે હિલગાર્ડન ત્રણ રસ્તે એક છોકરીએ કરેલી માથાકૂટ અને છોકરીએ તેના મોબાઈલમાં કરેલાં રેકોર્ડીંગને ડિલિટ કરવાની અરજીના વિવાદમાં ત્રિવેદીનો ભોગ લેવાયો હતો.
ત્રિવેદીને માત્ર દોઢ કલાકમાં પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડી દેવો પડ્યો હતો.
♦ભુજમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત પેરોલ ફર્લો, પધ્ધર અને હાલ ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવી રહેલાં સિનિયર પોલીસ અધિકારી હાર્દિકસિંહ એમ. ગોહિલની ૧૧ એપ્રિલના રોજ ડીજીપીના હુકમ અન્વયે એસપીએ વડોદરા પોલીસ તાલીમ શાળા ખાતે ટ્રાન્સફર કરી હતી.
બદલીનો આદેશ આવ્યો ત્યારે એચ.એમ. ગોહિલ ચાર દિવસની રજા પર હતા.
ડીજીના હુકમ અન્વયે એસપી વિકાસ સુંડાએ પાઠવેલાં ટ્રાન્સફર ઓર્ડરમાં ગોહિલને રજા પૂરી થયાં બાદ બારોબાર વડોદરા પીટીએસ ખાતે હાજર થવા, સરકારી રિવોલ્વર અને કાર્ટ્રીઝ હેડ ક્વાર્ટરમાં જમા કરાવી છૂટાં થવા અને સરકારી ક્વાર્ટરના તમામ લેણાં ભરપાઈ કરી બારોબાર વડોદરા હાજર થઈ જવા સૂચના આપી હતી.
ઓર્ડરની ભાષા ઘણી સૂચક છે. ઓર્ડરમાં ‘જાહેર હિતમાં બદલી’ એવું કારણ લખાયેલું છે.
ગોહિલની શિક્ષાત્મક બદલી પાછળ ઉચ્ચ અધિકારીનું ‘અંગત હિત’ સામેલ હોવાનું ચર્ચાય છે.
પોલીસ બેડામાં ચર્ચાતી વાતો મુજબ એક વહીવટદાર પીએસઆઈએ અધિકારી વતી દર મહિને પોલીસ સ્ટેશનદીઠ નક્કી થયેલો આંકડો રજૂ કરેલો જેને માનવાનો ગોહિલે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. તેનો દંજ રાખીને ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈને જિલ્લામાંથી તેમનો કાંટો કાઢી નખાયો.
વક્રતા એ છે કે ગોહિલની બદલીના બે ત્રણ દિવસ અગાઉ પત્રકારના સ્વાંગમાં ફરતી ‘ગંઢેચા એન્ડ ગેંગ’એ કેટલાંક વૉટસએપ ગૃપમાં તેમની વિરુધ્ધ ગોળ ગોળ ભાષામાં અત્યંત બદનક્ષીકારક લખાણો પોસ્ટ કર્યાં હતાં. ઉચ્ચ સ્તરે થયેલી રજૂઆતમાં આ ‘પ્રોજેક્ટેડ’ લખાણોનો પણ યુક્તિપૂર્વક ઉપયોગ કરાયો હોવાનું ચર્ચાય છે.
♦આ બેઉ અધિકારીઓની બદલી પાછળની ગરમાગરમ ચર્ચાઓ હજુ શમી નથી ત્યાં આજે દયાપર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ વિનોદ વી. ભોલા અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.બી. ટાપરિયાની લીવ રીઝર્વમાં બદલી કરી દેવાઈ છે. વી.વી. ભોલાએ લાંબા સમય સુધી ભુજમાં પશ્ચિમ કચ્છ એસઓજીના પીઆઈ તરીકે જ્યારે ટાપરિયાએ નલિયા પીએસઆઈ તરીકે નોંધપાત્ર કામગીરી બજાવેલી છે.
અમદાવાદની કોઈ વગદાર કંપનીના લખપતના રણના પ્રોજેક્ટની કામગીરીમાં ચાલતાં વિવાદ અને તે અન્વયે રસ્તો રોકવાના પ્રકરણની આંટીઘૂંટીમાં ગાંધીનગરથી આવેલી સૂચનાના પગલે બંનેની એકાએક ટ્રાન્સફર કરી દેવાઈ હોવાનું ચર્ચાય છે. ભોલા હાલ રજા પર છે.
♦બદલી પામેલાં ચારેય અધિકારીઓ કદી કોઈ ગંભીર વિવાદમાં આવ્યાં નથી. તેમની કામગીરી પ્રમાણમાં ચોખ્ખી રહેલી છે. ત્યારે, બદલીઓ પાછળ ચાલતી ચર્ચાઓ જો સાચી માનીએ તો આંતરિક હુંસાતુંસી, અંગત અદાવત કે ઉપરથી આવતાં આદેશો અંતર્ગત આ રીતે બદલીઓ થતી રહેશે તો પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓનું મોરલ તૂટી જશે. કહેવાય છે કે ઘણાં નિષ્ઠાવાન અધિકારીઓએ સ્વેચ્છાએ અન્ય જિલ્લામાં બદલી કરાવવા પ્રયાસો આદર્યાં છે.
Share it on
|