click here to go to advertiser's link
Visitors :  
10-Mar-2025, Monday
Home -> Bhuj -> This is the present condition in West Kutch Police Forece
Saturday, 08-Mar-2025 - Bhuj 8553 views
આ કેવું તંત્ર? છોકરી પર રેપ કરી ૭ લાખ પડાવનાર આરોપીનું નામ પોલીસ છૂપાવી રહી છે!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છના પોલીસ ખાતામાં એવી લાલિયાવાડી શરૂ થઈ છે કે જે વિશે આમજનતા જ નહીં ખુદ ગુજરાતના ગૃહ મંત્રી અને ડીજીપી જાણશે તો ચોંકી ઉઠશે. પોલીસ ગુનો નોંધે છે પણ ગુનો નોંધનારી એ જ પોલીસ ગુનાની વિગતો જાહેર માધ્યમોમાં ક્યાંય બહાર ના આવે તે માટે ભરપૂર પ્રયાસો કરે છે!! આરોપીઓને છાવરવા માટે પોલીસ ખાતું જ્યારે ધમપછાડા કરે ત્યારે તેની પાછળનું કારણ શું હોય તે કહેવાની જરૂર નથી!

♦ઘટના જાણે એમ છે કે આજે માંડવી પોલીસ મથકે મહિલા વિરોધી એક ગંભીર ગુનો દાખલ થયો છે. પોલીસ સ્ટેશનમાંથી આ ગુના વિશે કશી વિગત આપવાનો ધરાર ઈન્કાર કરી દેવાયો છે. ઈન્સ્પેક્ટર સી.વાય. બારોટને ફોન કર્યો તો તેમણે પણ ગુના અંગે કશી વિગતો આપવાનો ઈન્કાર કરી દીધો છે. ભારે દલીલ બાદ આખરે તેમણે આરોપીનું નામ જાહેર ના કરવાની શરતે ઉપરછલ્લી વિગતો આપી.

♦બારોટે જણાવ્યું કે અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનથી ઝીરો નંબરથી એફઆઈઆર ટ્રાન્સફર થઈને આવેલી છે.

ફરિયાદી એક યુવતી છે અને તેણે આરોપી સામે લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક સંબંધ બાંધી, વિશ્વાસ કેળવીને જુદાં જુદાં બહાને સાત લાખ રૂપિયા મેળવી લઈ, અભદ્ર ફોટો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો ગુનો છે.

ત્રણ માસ અગાઉ ડિસેમ્બરમાં ગુનાનો પ્રારંભ માંડવીથી થયેલો એટલે ફરિયાદ અહીં દાખલ થઈ છે.

કચ્છખબરે આરોપીનું નામ અને વિગતો આપવા જણાવ્યું પરંતુ તેને પકડવાનો બાકી છે તેવું બહાનું કરીને પીઆઈ બારોટે ધરાર તેનું નામ જાહેર કર્યું નથી.

આશા રાખીએ કે એક- બે દિવસમાં પોલીસ આરોપીને પકડી લાવે ત્યારે તેના ફોટો સાથે પ્રેસનોટ જાહેર કરશે. ફરિયાદી અને આરોપી બેઉ કચ્છ બહારના છે. આરોપી કોઈ ‘મોટો માણસ’ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. કદાચ તેને છાવરવા પોલીસ નામ જાહેર ના કરતી હોય તે બનવાજોગ છે. જે હોય તે, ગંભીર ગુનાને લગતી મહત્વની વિગતો અને આરોપીનું નામ પોલીસ છૂપાવે છે તે હકીકત છે.

♦પાંચમી માર્ચની સાંજે ભુજના એક પૉશ વિસ્તારના બંગ્લામાં પોલીસે દરોડો પાડીને ભદ્ર પરિવારોની ૧૪ મહિલાને જુગાર રમતાં ઝડપેલી. મકાન માલિકણ નાલ ઉઘરાવીને જુગાર રમાડતી હોવાનો ગુનો નોંધાયેલો.

ઉપરથી આદેશ આવ્યો કે વિગતો મીડિયામાં ક્યાંય લીક ના થવી જોઈએ.

પોલીસે એફઆઈઆરને મધરાત્રિ બાદ ઓનલાઈન કરી પરંતુ સંવેદનશીલ ગુનો દર્શાવ્યો એટલે પત્રકારોને કશી વિગત જાણવા ના મળી. કંટ્રોલના ડેઈલી રજિસ્ટરમાંથી પણ વિગતો ગાયબ કરી દેવાઈ! પોલીસ સ્ટેશનમાં ફોન કરાયો તો પીએસઓએ બીઝી છું એવા બહાના કરીને પત્રકારોને ધરાર વિગતો ના આપી.

જાણીતા અખબારોમાં આ ગુનાને લગતી કોઈ વિગતો જ ના છપાઈ!

જુગાર રમતાં ઝડપાયેલી મહિલાઓ સામે ગુનો દાખલ કરનારી પોલીસે કયા ઉચ્ચ અધિકારીના ઈશારે વિગતો જાહેર ના કરી? શું આ જુગટું રમનારી મહિલાઓના નામ જાહેર ના કરવા માટે મોટો તોડ થયેલો? સામાન્ય ગુનાના આરોપીનો ફોટો અને પ્રેસનોટ જાહેર કરતી પોલીસને એવી તો કોની શરમ નડી ગઈ?

♦જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાએ જાણે દુકાન ખોલી હોય તેમ તેના ભ્રષ્ટાચાર અંગે અખબારો અને સોશિયલ મીડિયામાં વખતોવખત અહેવાલો આવે છે પરંતુ કોઈ એક્શન નથી લેવાતાં.

વહીવટની લ્હાયમાં વહીવટદાર તરીકે પંકાયેલો એક પોલીસ કર્મચારી કે જે અગાઉ એક ખાસ શાખાનો વહીવટ સંભાળતો હતો તેની દોઢ બે માસમાં ત્રણથી ચાર વખત ખાસ બ્રાન્ચમાં વહીવટી કારણોસર બદલીના ઓર્ડર થયાં છે!

પહેલાં તેને હાંકી કઢાયેલો, તેના અનુભવનો લાભ લેવા બીજી શાખા તેને ભુજ લઈ આવી એટલે અગાઉની બ્રાન્ચના ઈશારે તેને ફરી બદલી દેવાયો. હવે ત્રીજી વખત ફરી તેને એ જ શાખામાં મૂકાયો છે. નખત્રાણા જ નહીં લગભગ મોટાભાગના શહેરો અને વિસ્તારોમાં દૂધની ફેરીની જેમ છૂટથી દેશી વિદેશી વેચાઈ રહ્યો છે.

♦SMC ભુજમાં આવીને મોટા ગજાના બૂટલેગરની ધરપકડ કરી જાય કે સટ્ટા બેટીંગના નેટવર્કનો પર્દાફાશ કરે કોઈના પેટનું પાણી હાલતું નથી. કારણ કે, ઉપરથી જ મહિને ચોક્કસ રકમના આંકડાના કલેક્શન સાથે બધા ધંધા કરવા દેવાની ખૂલ્લી છૂટ મળી હોય તેવો માહોલ છે. હદ તો ત્યાં થાય છે કે વહીવટદારો હવે પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ (સર્વેલન્સ સ્ટાફ)ને પણ સ્પષ્ટ સૂચના આપી રહ્યાં છે કે ‘અહીંયા હાથ ના નાખતાં, ઉપરથી સેન્કશન મળેલું છે. નહીતર જાપ્તા પાર્ટીમાં ડ્યુટી આવશે!’

પરિણામે, દારૂ જુગારના હાટડાઓ પરથી મંહિને બે પાંચ હજાર મળતાં તે સાલિયાણું બંધ થઈ જતાં તેઓ પણ અંદરખાને ધૂંઆપૂંઆ થઈ ગયાં છે!  

પોલીસ તો ઠીક, સેન્કશન લઈને ગમે તેને ગમે તે ધંધો કરવાની છૂટ મળી જતી હોઈ દેશી વિદેશી વેચનારાં પણ ગળાકાપ હરીફાઈનો સામનો કરી રહ્યાં છે!

ખુદ દારૂ જુગારનો ધંધો કરતાં જૂના જોગીઓ વર્તમાન પરિસ્થિતિને અભૂતપૂર્વ પરિસ્થિતિ ગણાવી રહ્યાં છે!

♦પોતાના બાપની ઉંમરના સિનિયર બુઝુર્ગ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને IPS હોવાના વહેમમાં જાહેરમાં ‘તું તારી..’ થી સંબોધન કરતાં એક IPSને મળવા જવાનું થાય કે ફોન આવે તો મોટાભાગના અધિકારીઓ તેના મોંઢે લાગવા ઈચ્છતાં નથી. ગુજરાતના પોલીસ વડા અને ગૃહ મંત્રી જરા પશ્ચિમ કચ્છની પરિસ્થિતિ પર નજર ફેરવે નહીંતર મોટો કાંડ સર્જાતાં વાર નહીં થાય.

Share it on
   

Recent News  
KASEZમાં ૧૮ કરોડના લુગડાંને ખાખ કરનારી એ આગ ગોડાઉનના ૩ કર્મીની બેદરકારીથી લાગેલી
 
સસ્તાં સોનાના નામે ઠગાઈ કરતી ભુજના ઠગ ટોળકી સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામાયું
 
માંડવી અને ગઢશીશામાં ગૌવંશ કતલના બે જુદાં જુદાં કેસના ૮ આરોપીને બે બે વર્ષની કેદ