કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં રાત્રિના ૧૧ વાગ્યા બાદ પોલીસે અમલી બનાવેલાં ‘નાઈટ લૉકડાઉન’ મુદ્દે વાતનું વતેસર થયું હોવાનો ભુજ એ અને બી ડિવિઝન પોલીસ મથકના ઈન્સ્પેક્ટરોએ ખુલાસો કર્યો છે. આ મામલે ગઈકાલે કચ્છખબરે SP સુંડાનો ખુલાસો જાણવા પ્રયાસ કર્યો હતો પરંતુ ખુલાસો સાંપડ્યો નહોતો. જો કે, આજે બંને PIએ ખુલાસો કરતાં કચ્છખબરને જણાવ્યું કે ‘નાઈટ લૉકડાઉન’ વેપાર ધંધાર્થીઓ માટે નહીં પણ અસામાજિક તત્વો માટે અમલી બનાવ્યું છે’ ગુરુવારની રાત્રે ભુજમાં રેન્જ આઈજીના બંગ્લૉ નજીક લીલાં નાળિયેરની લારીવાળા પર છરીનો વાર કરીને થયેલી ૩૦ હજારની લૂંટ અને થોડાંક કલાક બાદ અન્ય યુવકની હત્યાના થયેલાં પ્રયાસના પગલે પોલીસે મોડી રાત્રે ફરતાં આવારા તત્વો અને તેમને આશરો આપતી ચાની હોટેલ-રેંકડીઓ, વેજ અને નોનવેજ વેજ ખાણી પીણીની લારીઓ, હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધાં હતાં.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા વગર અમલ અશક્ય
૨૦૧૯ના બજેટ સત્ર વખતે ગુજરાત સરકારે ૧૯૪૮માં ઘડાયેલા શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારા કરીને ખાણી પીણીના લારીઓ, સ્ટોલ, હોટલ અને રેસ્ટોરેન્ટ સહિતની તમામ વેપાર ધંધા આખી રાત ચાલું રહેશે તેવો ક્રાંતિકારી સુધારો કરાયો હોવાની અને આ સુધારો કરનાર ગુજરાત પહેલું રાજ્ય હોવાની હોંશે હોંશે જાહેરાત કરેલી. આ સુધારાથી વિપરીત પોલીસે રાત્રિના ૧૧ વાગ્યા પછી હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારી રેંકડીઓ બંધ કરાવતી હોવાની સમાચારો વહેતાં થયાં હતાં. કાયદાની રક્ષક પોલીસ જ પોતે આ રીતે કાયદાથી વિરુધ્ધ નાઈટ લૉકડાઉન કરે તે બાબત હજમ થાય તેમ નથી. કારણ કે, આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રગટ કરે તે પછી જ તેનો અમલ થઈ શકે.
નાઈટ લૉકડાઉનથી લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ સુધરે?
નાઈટ લૉકડાઉનથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે તે મુદ્દો જાહેર વિશદ્ ચર્ચા માંગી લે છે. પોલીસ કાર્યવાહીને ઘણાં લોકો બીરદાવી રહ્યાં છે તો ઘણાં વખોડે પણ છે. જો કે, ભુજ એ ડિવિઝનના પીઆઈ હાર્દિક ત્રિવેદી અને બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે. મોરીએ આ મામલે ખુલાસો કરતાં કહ્યું કે પોલીસ ધંધાર્થીઓને નહીં પણ મોડી રાત સુધી ફરતાં ગુનાહિત અને આવારા તત્વો સામે એક્શન લઈ રહી છે. મોરીએ ઉમેર્યું કે ‘રાત્રે ૧૧ વાગ્યા પછી ખાણી પીણી સહિતના વેપાર ધંધા પોલીસ બંધ કરાવી રહી હોવાની વાત અફવા સમાન છે’
ભુજમાં મોટાભાગે દસ વાગ્યા પછી બધું બંધ જ થઈ જાય છે
દરેક શહેરની એક નાઈટ લાઈફ હોય છે. એક જમાનામાં ‘નિવૃતો અને નોકરીયાતોના શહેર’ તરીકેની છાપ ધરાવતાં ભુજમાં આજે પણ બે પાંચ ચોક્કસ જગ્યાને બાદ કરતાં અમદાવાદના માણેક ચોકની જેમ મોડી રાત સુધી ખાણી પીણીની સંસ્કૃતિ વિકસી નથી. છેલબટાઉ યુવકો આવી બે-ચાર જગ્યાએ મોડી રાત સુધી ફરતાં રહે છે. બાકી, મોટાભાગના વેપાર ધંધા રાત્રિના દસ વાગ્યા બાદ લગભગ બંધ જ થઈ જાય છે. રવિવાર કે જાહેર રજાના દિવસે લોકો મોડી રાત સુધી હમીરસરના કાંઠે કે બાગ બગીચાઓમાં હરી-ફરીને હોટેલ રેસ્ટોરન્ટમાં ભોજન કરીને આઉટીંગની મજા માણી લે છે. પીઆઈ મોરીએ જણાવ્યું કે હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે. તે બાબતને અનુલક્ષીને પણ અમે બિનજરૂરી ક્યાંય કોઈને વેપાર ધંધા બંધ કરવાની ફરજ પાડતાં નથી.
Share it on
|