કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છ SOGએ ભુજના મિરજાપર રોડ પર આવેલી શાન એ પંજાબના હોટેલ માલિક સાથે બે જણની ૪૧ ગ્રામના ૪૧ લાખના કોકેઈન સાથે ધરપકડ કરી છે. બેઉ જણ પાંચ દિવસ અગાઉ પંજાબની ખેપ મારીને ફિરોજપુરમાંથી કોકેઈન ખરીદી લાવ્યાં હતાં. દરોડા દરમિયાન કારમાંથી કોકેઈન સાથે બે ગ્રામ અફીણ પણ મળી આવ્યું છે.
રવિવારે બપોરે SOGના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે હોટેલ માલિક ગુરુદેવસિંઘ ઊર્ફે મનિન્દરસિંઘ સતનામસિંઘ કારૂ (ઉ.વ. ૩૧, રહે. મોગા, પંજાબ હાલ રહે. જલારામ સોસાયટી, એરપોર્ટ રોડ, ભુજ) અને ભુજમાં રહેતો તેનો મિત્ર મયૂર રસિકલાલ સોની (ઉ.વ. ૩૪, રહે. ઓક્સવુડ સોસાયટી, પ્રભુનગર- ૨, કોડકી રોડ) પાંચ દિવસ અગાઉ પંજાબના ફિરોઝપુર ગયેલાં અને ત્યાંથી અજાણ્યા શખ્સ પાસેથી ડ્રગ્ઝ લઈ આવ્યાં છે. બેઉ જણ ભુજ બહાર જઈ ડ્રગ્ઝ સગેવગે કરવાની તૈયારીમાં છે.
જેના પગલે SOGએ મિરજાપર રોડ પર હોટેલ પાસે વૉચ ગોઠવીને હોટેલ પર આવી રહેલાં ગુરુદેવસિંઘને દબોચી લીધો હતો. ગુરુદેવે ડ્રગ્ઝ મયૂર સોની પાસે પડ્યું હોવાનું જણાવતાં પોલીસ તેને લઈને મયૂરના ઘેર પહોંચી હતી.
મયૂરે ડ્રગ્ઝનો જથ્થો ઘર બહાર પાર્ક કરેલી આઈ ટ્વેન્ટી કારમાં પડ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે કારની હેન્ડબ્રેક પાસે પ્લાસ્ટિકની કોથળીઓમાં રાખેલા કોકેઈન અને અફીણને જપ્ત કર્યા હતાં. પોલીસને કારમાં રહેલા એક પર્સમાંથી ૩૨૦૦ રૂપિયા રોકડાં અને ૧ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ગુરુદેવસિંઘની અંગજડતીમાંથી પોલીસને ૬૭૦૦ રૂપિયા રોકડાં અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક ગ્રામ કોકેઈનની કિંમત એક લાખ થાય છે.
પોલીસે ૪૧ લાખનું કોકેઈન, ૨૦૦ રૂપિયાનું બે ગ્રામ અફીણ, પાંચ લાખની કાર, ૯૯૦૦ રોકડાં રૂપિયા, દસ હજારના બે ફોન મળી કુલ ૪૬.૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બેઉ સામે સરકાર તરફે માનકૂવા પોલીસ મથકે NDPS એક્ટની વિવિધ ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે. દરોડાની કામગીરીમાં SOG PI કે.એમ. ગઢવી અને PSI ડી.બી. વાઘેલાના માર્ગદર્શનમાં અન્ય સ્ટાફ જોડાયો હતો.
Share it on
|