કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) અંજાર તાલુકાના દુધઈથી ભુજના રુદ્રમાતા સુધી ૪૫ કિલોમીટર લાંબી નર્મદાની દુધઈ સબ બ્રાન્ચ કેનાલ અંતર્ગત થઈ રહેલી જમીન સંપાદનની કામગીરીમાં તંત્ર સાથે મિલિભગત આચરીને ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ફરિયાદ ઉઠી છે. કિસાનોની લાંબી લડતના અંતે ૧૪ મે ૨૦૨૦ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૫૦ કરોડના ખર્ચે કિસાનોને ખૂલ્લી કેનાલ વાટે ભુજના રૂદ્રમાતા સુધી પાણી પહોંચાડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
૧૧ ગામોનું જમીનોનું સંપાદન ચાલી રહ્યું છે
હાલ દુધઈ સબ બ્રાન્ચ કેનાલ અંતર્ગત જમીનો સંપાદન કરવા માટેની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અંજાર તાલુકાના દુધઈ, ખીરસરા, દેવીસર, બુઢારમોરા અને ભુજ તાલુકાના ફુલાય, જવાહરનગર, લોડાઈ, ધ્રંગ, કોટાય, વાત્રા, કુનરીયા એમ ૧૧ ગામોમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે.
એક વાડીમાં રાતોરાત હાફુસના આંબાનું વાવેતર
ભુજના જવાહરનગર ગામના જાગૃત નાગરિક હરીભાઈ માતાએ જમીન સંપાદનની કામગીરીમાં સરકારી તંત્રના જ અધિકારીઓની મિલિભગતથી કેટલાંક લોકો યુક્તિપૂર્વક ભ્રષ્ટાચાર આચરી રહ્યાં હોવાનો આરોપ કર્યો છે.
જવાહરનગર સહિતના આસપાસના ગામોમાં ભૂગર્ભ જળ સાવ ખારું થઈ ગયેલું છે, ખેતી માટે કોઈ શક્યતા જ નથી. કેનાલ માટે ગામમાંથી ૨૮ સર્વે નંબરોવાળા ખેતરોની જમીન સંપાદિત કરાઈ છે. તેમાંથી ૨૬ સર્વે નંબરવાળા ખેતરોમાં ખેતરદીઠ એક કે બે-ચાર લીમડાને બાદ કરતાં કોઈ ઝાડ નથી.
પરંતુ સર્વે નંબર ૪૧માં હાફુસ કેરીના ૧૮૮ આંબા અને ૧૯૪૫ સરગવાના ઝાડ દર્શાવાયાં છે. હાફુસના રોપાની વય અંદાજે એક વર્ષની અને સરગવાની વય ચાર વર્ષની દર્શાવાઈ છે. હાફુસના એક રોપાની કિંમત ૧૦ હજાર ૧૦ અને સરગવાના એક ઝાડની કિંમત ૮૦૦ લેખે ગણીને હાફુસ અને સરગવાના કુલ ૩૪.૬૦ લાખ રૂપિયા નિયત કરાઈ, અન્ય સરકારી ધારાધોરણો મુજબ પ્રક્રિયા હાથ ધરી જમીન સંપાદનનું વળતર ગત ૨૦ માર્ચના રોજ જાહેર કરાયું છે.
સર્વે થઈ ગયો ને હાફુસના રોપા મૂરઝાઈ ગયાં
હરીભાઈનો આરોપ છે કે આખા ગામની જમીનનું પાણી જ ખારું લૂણ છે, આસપાસમાં કોઈ બોર સુધ્ધાં નથી. કચ્છમાં કેસર કેરીનું વાવેતર થાય છે ત્યારે આ વેરાન જમીન પર સર્વે અગાઉ સરકારી તીજોરીને ચૂનો ચોપડવાના હેતુથી ગામના વશરામ ગાગલ નામના એક શખ્સે જમીનના મૂળ માલિક રણછોડભાઈ મઢવી પાસે ખેતર વાવવાના નામે ભાડેથી મેળવીને રાતોરાત આ હાફુસના રોપાનું વાવેતર કરેલું.
એટલું જ નહીં, સર્વે ટીમની આંખમાં ધૂળ નાખવા ડ્રીપ ઈરિગેશનની પાઈપો પણ બીછાવેલી. હાફુસ અને સરગવાની સરકારી ચોપડે જે સંખ્યા દર્શાવાઈ છે તે વાસ્તવિક્તા કરતાં ખૂબ વધારે છે.
સર્વે થયાં બાદ રોપા ખેતરમાં જ સૂકાઈ ગયાં છે. સરગવાના ઘણાં ઝાડ કાપી નખાયાં છે. જમીન સંપાદન અંતર્ગત જાહેર થયેલી રકમમાંથી ૩૪.૬૦ લાખ રૂપિયાને પોતાનું વળતર ગણાવીને વિશ્રામ જમીન માલિક પાસેથી મેળવી લેશે.
આરોપ સામે અધૂરાં ખુલાસાથી ઘેરી બનતી શંકા
કચ્છખબરે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં હરીભાઈની વાત સાચી જણાઈ. વશરામભાઈનો સંપર્ક કર્યો તો તેમણે ‘ખેતરનો હું માલિક નથી અને વળતર મને મળવાનું નથી’ કહી ખુલાસો આપવાનો ઈન્કાર કર્યો. આદિપુરના નર્મદા ભવનમાં બેસતાં નાયબ કલેક્ટર કક્ષાના ખાસ જમીન સંપાદન અધિકારી ડૉ. નીતિબેન ચારણનો સંપર્ક કર્યો તો તેમણે જમીન પર ઉગેલાં વૃક્ષોની કિંમત નક્કી કરવા માટે બનેલી પાંચ સદસ્યોની ખાસ સમિતિએ આપેલાં રીપોર્ટ અને નિયત કરેલી રકમના આધારે વૃક્ષોના વળતરની રકમ જાહેર કરી હોવાનું જણાવી હાથ અધ્ધર કરી દીધાં.
વૃક્ષ સમિતિ નક્કી કરે છે ઝાડની વય અને કિંમત
વૃક્ષ સમિતિમાં નાયબ વન સંરક્ષક, બાગાયત કચેરીના નાયબ નિયામક, ભુજના કુકમા પાસે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શાખા અધ્યક્ષ, ભુજ ગ્રામ્યના મામલતદાર એ ચાર સદસ્યો છે જ્યારે કચ્છ શાખા નહેરના કાર્યપાલક ઇજનેર સમિતિમાં આમંત્રિત સદસ્ય છે. સર્વે બાદ ૧૯-૧૨-૨૦૨૪ના રોજ ભુજ મામલતદાર કચેરીમાં યોજાયેલી સમિતિના બેઠકમાં જવાહરનગર સાથે દેવીસર, ખીરસરા, લોડાઈ, કોટાય, કુનરીયા ગામના સંપાદિત થનારા ખેતરોમાં ઉગેલાં વૃક્ષોની વૃક્ષદીઠ કિંમત નિયત કરાઈ હતી.
ગેરરીતિની ગંધ આવતાં કલેક્ટરને મેં રીપોર્ટ કરેલોઃ DCF
કચ્છખબરે પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે વન વિભાગ ખેતરોમાં ઉગેલાં વૃક્ષોની કિંમત નક્કી કરે છે. હાફુસ, ચીકુ, દાડમ વગેરે જેવા બાગાયતી ઝાડની કિંમત બાગાયત વિભાગ નક્કી કરે છે. કૌભાંડ અંગેની પ્રાથમિક વિગતો જાણીને સરવૈયાએ જણાવ્યું કે ‘અગાઉ ઘણી જમીનોના સંપાદનમાં આ પ્રકારની ગેરરીતિની ગંધ મને આવેલી અને મેં આ મામલે જે-તે સમયે કલેક્ટર અમિત અરોરાને લેખિતમાં ફરિયાદ પણ કરેલી’
બાગાયત અધિકારીએ કોઈ ખુલાસો ના આપ્યો
કચ્છખબરે બાગાયતના નાયબ નિયામક એમ.એસ. પરસિયાણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ‘સર્વેમાં ખાતાના માણસો ગયાં હશે. તમે મને વિગતો મોકલી આપો, હું ચેક કરીને તમને જવાબ આપું’ વિગતો મોકલ્યાંના દસ દિવસથી વધુનો સમય વીતી ગયો પણ કોઈ ખુલાસો મળ્યો નથી.
સર્વે બાકી છે ત્યાં ટેન્કરોથી સિંચાઈ શરૂ કરાઈ!
હરિભાઈ કહે છે કે ‘હજુ જ્યાં સર્વે થવાનો બાકી છે તેવા અન્ય ઘણાં ગામોમાં ઊંચુ વળતર મળવાની લાલચે ઘણાં લોકો વાવેતર માટે વાડીઓને નજીવા ભાડે મેળવી આ રીતે ફળાઉ વૃક્ષોના રોપા વાવી રહ્યાં છે. પાણી તો છે જ નહીં ત્યારે ટેન્કરથી સિંચાઈ કરી રહ્યાં છે! જેવો સર્વે પતશે એટલે કે પછી રોપા એમ જ રઝળતાં થઈ જશે’
ભચાઉ બેસતાં SSNLના કાર્યપાલક ઇજનેરની કચેરીનો એક કર્મચારી જ ખાનગીમાં ખેડૂતોને મળીને આ રીતે ઉજ્જડ જમીનો પર કામચલાઉ ધોરણે વાવેતર કરવાનું જણાવી કમિશન કટકટાવી રહ્યો છે. ભ્રષ્ટાચારની ફરિયાદો છતાં કોઈ પગલાં લેવાતાં નથી.
ત્યારે, અગાઉ સંપાદિત થયેલી અને હવે સંપાદિત થનારી જમીનો પૈકીની ફળાઉ વૃક્ષોની વાડીઓના થયેલાં સર્વે અને જાહેર કરાયેલાં લાખ્ખો રૂપિયા વળતર મામલે ગહન તપાસ થાય તો મોટો ગફલો બહાર આવે તેવી શક્યતા છે.
Share it on
|