કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ચૈત્ર માસની કાળઝાળ ગરમીમાં બેકાર લોકોને માનદ્ વેતન પર GRD/SRDની નોકરી મેળવવા માટે આયોજીત દોડની પરીક્ષાનું તઘલખી આયોજન મોકૂફ રખાયું છે. આ તઘલખી આયોજન પશ્ચિમ કચ્છ SPએ ગોઠવ્યું હતું અને હવે તેમણે જ મોકૂફ રાખ્યું છે. હિટ વેવની આગાહીના કારણે ઉમેદવારોની સલામતી ધ્યાને રાખી આ પરીક્ષા મોકૂફ રખાઈ હોવાનું જણાવાયું છે. કચ્છમાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં ૧૩૮૯ પુરુષો અને ૧૮૫ મહિલાઓ મળી કુલ ૧૫૭૪ ઉમેદવારોની ફેબ્રુઆરી માસમાં અરજીઓ મગાવાઈ હતી. મોટી સંખ્યામાં અરજીઓ મળ્યાં બાદ ઉમેદવારો માટે આવતીકાલ ૧૫ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમિયાન દોડની પરીક્ષાનું આયોજન થયું હતું.
આયોજન માટે પોલીસ ખાતાંને આખા ભુજમાં કોઈ યોગ્ય મેદાન ના મળતાં ઉમેદવારોને પરોઢે ૫ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યાના સમય દરમિયાન એરપોર્ટ રોડ પર ખારી નદી ચોકડી, ભૂતનાથ મહાદેવ નજીક કેન્યન હોટેલ, હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનથી ટોયોટા શો રૂમ સુધીના રસ્તા પર દોડાવવા નક્કી કરાયું હતું!
ચૈત્રના પ્રારંભથી જ ઉનાળો જાણે ચરમસીમાએ પહોંચ્યો છે.
દિવસનું તાપમાન તો ઠીક રાત્રિની ઠંડક પણ ગાયબ થવા સાથે લઘુત્તમ તાપમાન ઊંચે ગયું છે. ત્યારે, આવી ઋતુમાં પરીક્ષાના નામે હજારો લોકોને દોડાવવા માટે આયોજીત આ પરીક્ષા મામલે કલેક્ટર આનંદ પટેલે પણ જાણે મગજનો ઉપયોગ કર્યા વગર આ માર્ગ પર અન્ય વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું પ્રગટ કરી દીધું હતું!
આ રીતે ભરઉનાળે હજારો બેરોજગારોને ડામરના રોડ પર દોડાવીને લેવાતી પરીક્ષાના આયોજન અંગે ભારે ચણભણાટ પ્રવર્તતો હતો. જો કે, હાલ પૂરતી આ પરીક્ષા હિટ વેવના લીધે મોકૂફ રહેતાં તેમને હાશ થઈ છે.
પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, હપ્તાખોરી ચરમસીમાએ પહોંચી છે, નડતાં અધિકારીઓને ચક્રવ્યૂહ ગોઠવી દૂર કરાઈ રહ્યાં છે, નીડર અને સાચાં પત્રકારોને ખોટાં કેસમાં ફીટ કરી દેવાની વિવિધ સૂત્રોમાંથી ધમકી અપાય છે
ત્યારે, ગુજરાતના મુખ્યમંત્રી (ડીજીપી કે ગૃહમંત્રી નહીં), વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સરહદી જિલ્લામાં અનુભવી, સિનિયર અને કમસે કમ પોતાના અંગત લાભાર્થે પોલીસ સ્ટેશનોદીઠ હપ્તાનો આંકડો નક્કી ના કરે કે ગોરખધંધા કરનારાઓ માટે ખૂલ્લો પરવાનો ઈસ્યૂ ના કરે તેવા નિષ્ઠાવાન ઑફિસરોની નિમણૂક કરે તે તાતી જરૂર છે.
Share it on
|