કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની પટેલ ચોવીસીના ગામડાંઓમાં છેલ્લાં ઘણાં સમયથી ભારે ચર્ચાસ્પદ બનેલી ઘટના અંતે પોલીસ ચોપડે ચઢી છે. પોલીસે ૨૨ વર્ષની યુવતીના નગ્ન ફોટોગ્રાફ વાયરલ કરનાર દહિંસરાના પ્રેમી સામે ગુનો નોંધી તેને જેલમાં ધકેલી દીધો છે. નારાણપર (રાવરી) ગામમાં કોલ્ડ્રીંક્સની દુકાન ચલાવતા દિનેશ મુળજીભાઈ અજાણી (રહે. દહિંસરા)એ બે ત્રણ વર્ષ અગાઉ ગામની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીની સહમતિ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. આ સમયે તેણે મોબાઈલમાં યુવતીના નગ્ન ફોટોગ્રાફ પાડીને સેવ કરી લીધાં હતાં. થોડાંક માસ અગાઉ યુવતીના લગ્ન લેવાયાં હતાં.
યુવતીના લગ્ન નક્કી થયાં હોવાનું જાણીને દિનેશે તેને પોતાની સાથે જ લગ્ન કરવા આગ્રહ કરીને અન્ય યુવક સાથે લગ્ન ના કરવા અને જો લગ્ન કરે તો તેના નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.
યુવતી દિનેશની ધમકીને વશ થઈ નહોતી અને તેની સાથેના તમામ સંબંધો તોડીને લગ્ન કરી લીધાં હતાં.
ઉશ્કેરાયેલાં દિનેશે યુવતીના લગ્નના એકાદ માસ બાદ +477 કોડના વિદેશી મોબાઈલ નંબરના વોટસએપ પરથી યુવતીના પતિ, ભાઈ, તેમના મિત્રો સહિત પાંચ જણને નગ્ન ફોટો મોકલ્યાં હતાં.
૧ માર્ચના રોજ યુવતી ગામમાં જતી હતી ત્યારે તેને આંતરીને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા દેવાની બિભત્સ માંગણી કરીને ન્યૂડ ફોટોગ્રાફ સમાજના વોટસએપ ગૃપમાં વાયરલ કરવાની ધમકી આપી હતી.
૧૨ માર્ચે ફરી દિનેશે ન્યૂડ ફોટો યુવતીના પતિના પરિચિત દુકાનદારને અને ૧૬ માર્ચે ફરી તેના પતિને વોટસએપ પર મોકલ્યાં હતાં.
દિનેશની હરકતોથી તંગ આવીને યુવતી પરિવારજનો સાથે સોમવારે રાત્રે ફરિયાદ નોંધાવવા માનકૂવા પોલીસ મથકે પહોંચી હતી. માનકૂવા પોલીસે દિનેશ સામે BNS કલમ ૭૫ (૨), ૭૮ (૧) (i) તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬ (e), ૬૭ (A) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલહવાલે કરી દીધો છે.
Share it on
|