click here to go to advertiser's link
Visitors :  
01-Apr-2025, Tuesday
Home -> Bhuj -> Nakhtrana Police Let Off Bootlegger Found Intoxicated in Stolen Car Without Number Plate
Saturday, 22-Mar-2025 - Bhuj 19370 views
નખત્રાણાઃ નંબર વગરની ચોરાઉ મનાતી કારમાં દારૂ પીતાં બૂટલેગરને પોલીસે જવા દીધો!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘હંડ્રેડ અવર્સ’ની અવધિ બાદ રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વો અને હિસ્ટ્રીશીટર આરોપીઓ સામે એક્શન લઈ રહી છે. કચ્છમાં પણ પોલીસ ખાતું રોજેરોજ કોમ્બિંગ કરીને રીઢાં તત્વો સામે પગલાં લઈ રહ્યું છે. આ માહૌલ વચ્ચે નખત્રાણા પોલીસે દારુ ઢીંચીને નંબર પ્લેટ વગરની અન્ય રાજ્યની ચોરાઉ મનાતી વૈભવી કારમાં જતાં એક રીઢા બૂટલેગરને જવા દીધો હોવાની વાત બહાર આવતાં જાગૃત લોકોને આંચકો લાગ્યો છે.

ઘટનાને નજરે જોનાર સૂત્રમાંથી મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં પોલીસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની, કાળા રંગ અને કાળા કાચવાળી વૈભવી કાર અટકાવી ચેક કરેલી.

કારમાં રહેલો શખ્સ રીઢો બૂટલેગર હતો અને તે બિન્ધાસ્ત દારૂ ઢીંચી રહ્યો હતો. પોલીસ કાર સાથે આ શખ્સને પોલીસ મથકે લઈ આવી હતી. ચાલક સાથે કારમાંથી દારૂ ભરેલો અડધો ગ્લાસ અને બાટલી કબજે કરાઈ પોલીસ સ્ટેશનની અંદર લઈ જવાયાં હતાં.

કારને પણ પોલીસ સ્ટેશનની અંદર પાર્ક કરી દેવાઈ હતી. થોડીકવાર બાદ નખત્રાણા પંથકમાં પવનચક્કીઓના કામોના કોન્ટ્રાક્ટ અને જમીનોના કોઠાં-કબાડા માટે જાણીતો એક વગદાર શખ્સ પોલીસ મથકે દોડી આવ્યો હતો. એક દોઢ કલાક બાદ આ લિસ્ટેડ બૂટલેગરને કાર સાથે જવા દેવાયો હતો.

પીઆઈ કહે છેઃ કાળા કાચ હતા એટલે એનસી કરાયેલો

ઘટના અંગે કચ્છખબરે ગઈકાલે નખત્રાણાના પીઆઈ એ.એમ. મકવાણાને પૃચ્છા કરતાં તેમણે પોતે તે દિવસે બહારગામ હોવાનું જણાવી, તપાસ કરીને જવાબ આપશે તેમ જણાવેલું. કચ્છખબરે આજે ફરી વિગતો મેળવવા પ્રયાસ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘સમગ્ર કાર્યવાહી પો.સ.ઈ. એમ.વી. શામળાએ કરેલી અને મેં તેમને પૂછ્યું તો શામળાએ કાળા કાચ બદલ ચાલક સામે એન.સી. કેસ કરી, દંડ વસૂલીને તેને જવા દીધો હોવાનું જણાવ્યું છે’

કારમાંથી દારૂ મળ્યો હોવાનો કે ચાલક પીધેલો હોવાનો ઈન્કાર કરીને પીઆઈ મકવાણાએ ‘ચોપડા પર જે વિગત છે તે આપને જણાવી છે’ તેવો ખુલાસો આપ્યો હતો.

આ મામલે કચ્છખબરે છેલ્લાં બે દિવસ દરમિયાન પો.સ.ઈ. શામળાનો ખુલાસો જાણવા વારંવાર પ્રયાસ કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી.

પોલીસ કાર્યવાહીથી ઉઠતાં આ વેધક સવાલો

સામાન્ય રીતે આ પ્રકારના એનસી કેસ હોય તો પોલીસ સ્થળ પર મેમો આપીને દંડ વસૂલતી હોય છે, ત્યારે આ કિસ્સામાં ગાડી સાથે ચાલકને પોલીસ સ્ટેશન શા માટે લવાયો તે જ મુદ્દો અનેક સવાલો સર્જે છે. સૂત્રોનો દાવો છે કે નંબર પ્લેટ વગરની જે કાર છે તેની કિંમત લાખ્ખો રૂપિયામાં અંકાય છે અને તે કાર અન્ય રાજ્યમાંથી ચોરાયેલી હોવાની આશંકા છે. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પરંતુ તે સીસીટીવી ચેક કરાયાં નથી. જો આ સીસીટીવી ફૂટેજ ચેક કરાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. શું પોલીસે ભલામણથી કાર્યવાહી કર્યા વગર આરોપીને જવા દીધો કે પછી મોટો વહેવાર થયો તે રામ જાણે.

Share it on
   

Recent News  
પંજાબની ખેપ મારી ૪૧ લાખનું કોકેઈન લાવનાર ભુજના ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપાયાં
 
રાપરઃ મદદના નામે હાથ લંબાવીને કૌટુંબિક કાકાએ યુવાન પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો
 
દીકરી ભાગી જતાં બિદડાના પરિવારે મંગવાણાની મહિલા તલાટીને એસિડ એટેકની આપી ધમકી