કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના કુંવારા યુવકનો પરિણીત મહિલા સાથેની કથિત મુલાકાતનો ફોટો પાડી બ્લેકમેઈલ કરીને ૨૨ લાખ રૂપિયા પડાવી લેવાની ઘટનાના વમળો હજુ શાંત થયાં નથી ત્યાં મુંદરામાં હની ટ્રેપ જેવો એક અન્ય બનાવ બહાર આવ્યો છે. આ બનાવમાં કહેવાતા પત્રકાર સહિત ચાર જણની ટોળકીએ યુવકની પાંચ લાખની કાર અને ત્રીસ લાખના મકાનના અસલી દસ્તાવેજો બળજબરીપૂર્વક પડાવી લીધાં છે. પોલીસે ચારે આરોપીને દબોચી લીધાં છે.
મુંદરાના નાના કપાયામાં રહેતા ૩૭ વર્ષિય યુવક સામે મુંદરા પોલીસ મથકમાં એક યુવતીએ અરજી આપી હતી. આ અરજીની વિગત કોઈપણ રીતે લીક થઈ ગયેલી અને તેના આધારે ‘કચ્છ ઉજાગર ન્યૂઝ’ નામનું સાપ્તાહિક અને યુ ટ્યૂબ ચેનલના સહતંત્રી મુસ્તાક અલ્લારખિયાએ ફરિયાદીનો સામેથી સંપર્ક કરેલો.
યુવક સામે થયેલી અરજીના સમાચાર મીડિયામાં પ્રગટ ના થાય તથા યુવક સામે પોલીસ બળાત્કારનો ગુનો દાખલ કરી શકે છે તેવી બીક બતાડેલી.
આ મામલે સમાધાન કરવું હોય તો પોતે પાવાપુરી ચાર રસ્તા પાસે સહારા ફાયનાન્સ નામની નાણાં ધીરધારની પેઢી ચલાવતા મોહમ્મદ શકીલ યાકુબ ધુઈયા (રહે. બારોઈ, મુંદરા) અને એડવોકેટ એમ.એચ. ખોજાને વાત કરીને સમાધાન કરાવી આપશે તેવી જાળ બીછાવેલી.
બળાત્કારનો કેસ થતાં પોતાની બદનામી થશે તેવા ડરથી ફફડતો યુવક શકીલની ઑફિસે મળવા ગયેલો.
ત્યાં હાજર મુસ્તાક, શકીલ ઉપરાંત મોહમ્મદ રફિક હાજી ખોજા (રહે. કામળિયા શેરી, મુંદરા. હાલ રહે. પ્રમુખસ્વામીનગર, ભુજ) તથા હિમાંશુ નવીનભાઈ મકવાણા (ધંધો- દલાલી, રહે. મૈત્રી કોમ્પ્લેક્સ, બારોઈ રોડ, મુંદરા)એ પૂર્વઆયોજીત ષડયંત્ર મુજબ યુવકને રેપ કેસની બીક બતાડીને તેની પાંચ લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર તથા ત્રીસ લાખની કિંમતના મકાનના દસ્તાવેજો બળજબરીપૂર્વક કઢાવી લીધાં હતાં. બનાવ ધ્યાને આવતાં મુંદરા પોલીસે ચારે આરોપીઓ સામે આજે ગુનો દાખલ કરી ચારેયની ધરપકડ કરી લીધી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભોગ બનનાર એક સ્પામાં ફ્રેશ થવા ગયો હતો અને પછી આ ટોળકીની જાળમાં લપટાઈ ગયો હતો.
પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર યુવતીની ગુનામાં સંડોવણી સ્પષ્ટ થઈ નથી. ૨૫થી ૨૯ માર્ચ દરમિયાન આ ગુનો આચરાયો હતો. મુંદરા પીઆઈ આર.જે. ઠુંમરે જણાવ્યું કે ઝડપાયેલાં ચારે આરોપીઓએ અગાઉ પણ આ રીતે લોકોને બ્લેકમેઈલ કર્યાં હોવાની શક્યતા છે. આરોપીઓ પાસેથી કોઈએ ઊંચા વ્યાજે રૂપિયા મેળવ્યાં હોય, કોરાં ચેક પડાવી લેવાયાં હોય કે વ્યાજના નાણાંની અવેજમાં મકાન, પ્લોટ, વાહન, દાગીના ગીરવે મૂક્યાં હોય તો તેમને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
Share it on
|