કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના ૩૭ વર્ષિય યુવક સામે એક યુવતીએ કરેલી અરજી અન્વયે તેને ખોટાં રેપકેસમાં ફસાઈ જવાનો અને મીડિયામાં બદનામી થવાનો ડર બતાડીને સમાધાનના નામે બોલાવી કાર મકાનના દસ્તાવેજો પડાવી લેવાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે યુવકની પાંચ લાખની કાર અને ત્રીસ લાખના મકાનના દસ્તાવેજો પડાવનારાં ચાર પૈકી બે આરોપીની ઑફિસમાં જડતી લેતાં જુદાં જુદાં વ્યક્તિઓની માલ મિલકત અંગેના દસ્તાવેજો, કોરાં સ્ટેમ્પ પેપર, જુદી જુદી બેન્કોના ૨૬ કોરાં ચેક વગેરે મળી આવ્યાં છે. યુવક જોડે ગુનો આચરનાર કહેવાતા પત્રકાર મુસ્તાક અલ્લારખિયાએ યુવકને સમાધાન કરવાના બહાને પાવાપુરી ચાર રસ્તા પાસે સહારા ફાયનાન્સ નામની નાણાં ધીરધારની પેઢી ચલાવતા મોહમ્મદ શકીલ યાકુબ ધુઈયા (રહે. બારોઈ, મુંદરા)ની ઑફિસે બોલાવેલો. અહીં અગાઉથી મુસ્તાક, શકીલ, મોહમ્મદ રફીક હાજી ખોજા અને હિમાંશુ મકવાણા નામના ચાર આરોપીઓ હાજર હતા.
પોલીસે આજે શકીલ અને એમ.એચ. ખોજાની ઑફિસમાં જડતી કરતાં ૩.૨૩ લાખ રોકડાં રૂપિયા, ફરિયાદીની પાંચ લાખની સ્વિફ્ટ કાર, ખોજાનીક્રેટા અને શકીલની સ્કોર્પિયો કાર મળી ૧૫ લાખની ત્રણ કાર, આરોપીઓના કબજામાં મળેલાં ૧.૨૫ લાખના મોબાઈલ ફોન, ૩૪૦૦ રૂપિયાની કિંમતના ૪૬ કોરાં સ્ટેમ્પ પેપર કબજે કર્યાં છે.
આરોપીઓની ઑફિસમાંથી જમીન વેચાણ, પાવરનામા, લોકોને નાણાં ઉછીના આપ્યાં હોવાના લખાણના દસ્તાવેજો, વિલ વસિયતનામા, સોગંદનામા, સાટા કરાર, મરણના દાખલા, જમીન તથા રૂપિયા સોંપ્યાની પહોંચો, ધ્રબ ગામનું તગાવી રોજમેળ, સચિન ટોપણ નામના વ્યક્તિની કાળા કલરની ફાઈલ જેમાં સ્યુસાઈડ નોટ અને જુદાં જુદાં દસ્તાવેજો છે, મિલકત કબજો સોંપ્યા અંગેના લખાણ સહિતના ઢગલાબંધ દસ્તાવેજો મળી આવ્યાં છે. આ ટોળકીએ મિલકત સંબંધી અન્ય ગુનાઓ આચર્યાં હોવાની પોલીસને આશંકા છે. પોલીસે બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
Share it on
|