click here to go to advertiser's link
Visitors :  
12-Apr-2025, Saturday
Home -> Bhuj -> Mother in law convicted in murder attempt Get 5 years imprisonment by Bhuj Sessions
Friday, 11-Apr-2025 - Bhuj 6042 views
સસરા સાથે આડા સંબંધના શકમાં વહુની હત્યાનો પ્રયાસ કરનાર સાસુને પાંચ વર્ષની કેદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ યુવાન પુત્રવધૂને સસરા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખીને નિદ્રાધીન વહુનું ગળું છરી વડે ચીરીને હત્યા કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં સાસુને કૉર્ટે દોષી ઠેરવી છે. કૉર્ટે સાસુને હત્યાના પ્રયાસના ગુના બદલ સજા ફટકારી છે. આ ચકચારી કેસમાં નજીકના આરોપીને બચાવવા ખુદ પતિ, સસરા અને દિયર વગેરે તેમની જુબાનીમાંથી ફરી ગયાં હતાં પરંતુ વહુએ અડગ રહીને આપેલી સમર્થનકારી જુબાનીને નિર્ણાયક માનીને કૉર્ટે સાસુને સજા ફટકારી છે.
સૌ સૂતાં હતા ને સાસુ છરી વડે વહુ પર તૂટી પડેલી

હત્યાના પ્રયાસનો બનાવ ૧૩-૦૧-૨૦૨૩ની ભાંગતી રાત્રે પોણા ચાર વાગ્યે બન્યો હતો. ભુજ તાલુકાના કેરા ગામે પોલીસ ઓપી પાસે રહેતી અનિતાબેન દેવરાજભાઈ સથવારા ઘરમાં તેના પુત્ર, દિયર વગેરે સાથે સૂતી હતી. એકાદ કલાક અગાઉ સાડા ત્રણ કલાકે તેનો પતિ અને સસરા બેઉ નાળિયેર વેચવા માટે છકડો લઈને ભુજ જવા નીકળેલાં.

સૌ ભરનિદ્રામાં હતાં ત્યારે એકાએક સાસુ મંજુલાબેન સથવારા (ઉ.વ. ૪૪)એ અનિતાના ગળા પર છરી વડે આડેધડ ઘા મારવાનું શરૂ કરેલું.

અનિતાની રાડારાડ સાંભળીને ઘરમાં સૂતેલાં સૌ સભ્યો જાગી ગયેલાં. અનિતાના દિયર દિનેશે માતાના હાથમાં રહેલી છરી ઝૂંટવી લેવા પ્રયાસ કરેલો પરંતુ માતા છરી લઈને જતી રહેલી. અનિતાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી.

બનાવ અંગે દિયર દિનેશે માનકૂવા પોલીસ મથકે માતા મંજુલાબેન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ભાભીને મારા પિતા સાથે આડા સંબંધ હોવાની શંકામાં માતાએ તેના પર છરીથી હુમલો કર્યો હતો.

બેઉ જણ વચ્ચે આ મામલે અગાઉ પણ અવારનવાર ઝઘડા થતાં રહેતાં હતાં.

પતિ, સસરા, દિયર જુબાનીમાં ફરી ગયાં

કેસની જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે આરોપી સાસુએ વહુને છરી મારી હોવાનો ઈન્કાર કરી દીધેલો. અનિતાનો પતિ દેવરાજ ઊર્ફે દેવરામ, દિયર અને કેસનો ફરિયાદી દિનેશ, સસરા રમેશભાઈ તેમની જુબાનીમાંથી ફરી ગયાં હતાં. ભોજનમાં મીઠું ઓછું હોવા મુદ્દે સહેજ બોલાચાલી થયેલી અને અનિતા રાત્રે ઠેસ વાગતાં ઘર આગળ પડેલાં ખજુરીના કાંટાળા થડ પર પડતાં તેને ગળામાં ઈજા થઈ હોવાનું કૉર્ટમાં જણાવ્યું હતું. રાતના અંધારમાં અનિતાને કોણે છરી મારેલી તે કોઈએ જોયું જ નહોતું તેવું કહી તેઓ ફરી ગયેલાં.

વહુએ અડગ રહીને સાસુ વિરુધ્ધ જુબાની આપી

અનિતાએ અડગ રહીને પોતાના પર સાસુએ જ હુમલો કર્યો હોવાનું જણાવીને પોલીસે કબજે કરેલું લોહીવાળું ગોદડું, બનાવ સમયે પોતે પહેરેલાં લુગડાં, છરી વગેરે મુદ્દામાલ ઓળખી બતાવ્યો હતો.

સેશન્સ જજ અંબરિષ વ્યાસે જણાવ્યું કે જુબાનીમાંથી ફરી જનાર લોકો આરોપીના પતિ, પુત્રો હોઈ તે ગુનાને સમર્થનકારી જુબાની ના આપે તે સમજી શકાય તેવી વાત છે. 

ગુનાનો ભોગ બનનાર વહુની જુબાનીને નિર્ણાયક ગણાવીને કૉર્ટે મંજુલાબેનને હત્યાના પ્રયાસના ગુના બદલ પાંચ વર્ષની સાદી કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો છે. જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ એક માસની સાદી કેદ ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી તહોમત પૂરવાર કર્યું હતું.

Share it on
   

Recent News  
મુંદરા ખંડણીકાંડમાં આરોપીઓની બે કચેરીમાંથી જમીન મિલકતના ઢગલાબંધ દસ્તાવેજો મળ્યાં
 
બોગસ પત્રકાર કમ RTI એક્ટિવીસ્ટ સામે પગલાં લેવા DGPના આદેશ સબબ પોલીસ ઝુંબેશ જરૂરી
 
મુંદરાઃ યુવકને રેપ કેસમાં ફસાવી, બદનામ થવાની ધમકી આપી ૩૫ લાખના કાર મકાન પડાવાયાં