કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભૂકંપમાં પડી ભાંગેલી ભુજની જૂની જેલ કે જે વર્ષોથી પોલીસે જપ્ત કરેલાં વાહનો સહિતનો મુદ્દામાલ રાખવાના વાડામાં ફેરવાઈ ગઈ છે તેમાં આજે બપોરે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
Video :
શહેરના સરપટ નાકા પાસે ભુજ બી ડિવિઝન પોલીસ મથકની સામે આવેલી જેલની ચાર દિવાલોની અંદર રાખેલાં વાહનોમાં બપોરે સવા ૩ના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી.
બંધ જેલની અંદર ભભૂકી ઉઠેલી આગની ભીષણતાનો અંદાજ અંદરથી ઉપર નીકળી રહેલા ધુમાડાંના ઘેરાં ગોટા જોઈને આવતો હતો.
આગમાં લપેટાયેલાં વાહનોની ટાંકી અને ટાયરો ફાટવાના અવાજ જાણે બોમ્બ ફૂટતાં હોય તેમ આવતાં હતાં. જેના પગલે જેલની આસપાસ રહેતાં પરિવારો અને ધંધાર્થીઓમાં ભય સાથે ચિંતા છવાઈ ગઈ હતી. બનાવ અંગે કૉલ મળતાં જ ભુજ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે દોડી જઈ આગ બૂઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
પાલિકાના ફાયર ઑફિસર સચિન પરમારે જણાવ્યું કે ત્રણ વૉટર બ્રાઉઝર અને એક મીની ફાયર ફાઈટર સાથે દોઢેક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
અંદાજે એકાદ લાખ લીટર પાણીનો મારો કરવામાં આવ્યો હતો.
ઊંચી દિવાલોના કારણે આગ બહાર પ્રસરતાં અટકી
જેલની અંદર રાખેલાં વાહનો સહિતના મુદ્દામાલ લાગેલી આગ સદભાગ્યે ઊંચી દિવાલોના કારણે બહાર પ્રસરી નહોતી. વેગીલા વાયરાના કારણે જોતજોતામાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.
આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે ઘણા વાહનોની લોખંડ અને એલ્યુમિનિયમની બૉડી પીગળીને પ્રવાહી ગઠ્ઠામાં ફેરવાઈ ગઈ હતી.
ભુજ બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે. મોરીએ જણાવ્યું કે અંદર વાહનો સહિતનો મોટાભાગનો મુદ્દામાલ બી ડિવિઝનનો હતો. કેટલોક મુદ્દામાલ એ ડિવિઝન અને માધાપર પોલીસ સ્ટેશનનો પણ હતો. અંદાજે હજારથી બારસો જેટલાં વાહનો સળગીને ખાખ થઈ ગયાં છે.