કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ મીડિયા પર જાળ બિછાવીને સસ્તાં સોનાના નામે આખા દેશના લોકોને ભુજ બોલાવી ઠગાઈ આચરતી ગેંગો સામે પોલીસ સખ્ત બનીને વિવિધ પ્રકારના ગુના દાખલ કરી રહી છે. હરામની કમાણી ચાખી ગયેલી ભુજની આવી ઠગ ટોળકીઓએ પોલીસની કડકાઈને ગણકાર્યા વગર પોતાનું ‘કામ’ ચાલું રાખ્યું છે. માધાપર પોલીસ મથકે ચીટીંગનો વધુ એક ગુનો દાખલ થયો છે. ભુજની ચીટર ગેંગે ‘એક કા તીન’ની જાળ બિછાવીને મહારાષ્ટ્રના ૨૩ વર્ષિય એન્જિનિયર યુવકને માધાપર બોલાવીને એક લાખ રૂપિયામાં નવડાવી દીધો છે. મહારાષ્ટ્રના સતારામાં રહેતો સ્વપ્નિલ વિનાયક માને નામનો યુવક ખાનગી કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરે છે.
ફેસબૂક પર તેણે હેમંત સોની નામના એકાઉન્ટ પર પોસ્ટ થયેલો એક વીડિયો જોયો હતો. જેમાં એક લાખ રૂપિયા સામે ત્રણ લાખ રૂપિયા હાથોહાથ આપવાનો દાવો કરાયો હતો.
લલચાઈ ગયેલાં સ્વપ્નિલે તેમાં આપેલા નંબર પર વૉટ્સએપ કૉલ કરતાં સામેવાળાએ તેને રૂબરૂ ભુજ બોલાવ્યો હતો. ફરિયાદી ટ્રેનમાં બેસીને ૧૬ માર્ચની સવારે ભુજ આવ્યો હતો. રેલવે સ્ટેશન પર તેને લેવા માટે નંબર પ્લેટ વગરની એક્સેસ મોપેડ પર એક માણસ આવ્યો હતો જેણે પોતાનું નામ ફારુખ અનવર મોખા (રહે. ભીડ નાકા, ભુજ) જણાવેલું.
ફારુખ તેને એક્સેસ પર બેસાડીને માધાપર યક્ષ મંદિર લઈ આવેલો.
અહીં હનીફ ઓસમાણ સમેજા નામનો બીજો ચીટર બેઠો હતો. હનીફે ફરિયાદી પાસેથી રોકડાં એક લાખ રૂપિયા મેળવીને તેની બેગમાં પ્લાસ્ટિક કવરમાં વીંટાળેલું ચલણી નોટોનું બંડલ મૂકી દીધું હતું.
બંડલ રાખીને બેઉ પોબારાં ભણી ગયાં હતાં. સ્વપ્નિલે પ્લાસ્ટિક કવર હટાવીને બંડલ જોતાં તેમાં ઉપર નીચે પાંચસોના દરની અસલી ચલણી નોટ રાખેલી હતી અને વચ્ચે કોરાં કાગળિયા દબાવેલાં હતાં.
ફરિયાદીએ તુરંત વૉટસએપ પર કૉલ કર્યો તો તેને ધમકી મળી હતી કે ‘તારી આખી જિંદગી જેલમાં જશે. અહીંથી નીકળી જા નહીંતર તને મારી નાખશું’ ફરિયાદી ડરી ગયેલો અને પાછો ઘરભેગો થઈ ગયેલો. થોડીક હિંમત આવ્યા પછી અને ભુજની ચીટર ગેંગો વિશે જાણ્યાં પછી તેણે પાછાં આવીને માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના દાવા મુજબ બેઉ રીઢાં ચીટરને ઉપાડી લેવાયાં છે. એક બે દિવસ બાદ માધાપર પોલીસ દ્વારા તેમની આગતા સ્વાગતા કરવામાં આવશે.
સિકલા અને તેના ભાઈ સામે વધુ એક ગુનો નોંધાયો
સોનાના નામે દેશભરમાં ચીટીંગ કરતાં ભુજના રહીમનગરના સિકંદર ઊર્ફ સિકલો ઊર્ફ મૌલાના જુસબ ઈસ્માઈલ સોઢાની હવા આજકાલ પોલીસે બરાબરની ટાઈટ કરી દીધી છે. ગુજસીટોકનો ગુનો દાખલ કર્યાં બાદ LCBએ તપાસ કરતાં સિકલાએ ઠગાઈના રૂપિયામાંથી તેના ભાઈ રફીક સોઢાના નામે જંગમ મિલકતો (ઘરેણાં, રોકડાં, વાહનો, ઢોર ઢાંખર વગેરે જેવી ‘ચલ સંપત્તિ’ એટલે કે મૂવેબલ પ્રોપર્ટી) વસાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પીઆઈ સંદિપસિંહ ચુડાસમાએ સિકલા અને રફીક વિરુધ્ધ સંગઠિત ગેંગ બનાવીને ગુના આચરી મિલકત વસાવવા બદલ BNS કલમ ૧૧૧ (૬) અને (૭) હેઠળ વધુ એક ગુનો દાખલ કર્યો છે.
Share it on
|