કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૩ વર્ષની કિશોરીને ભોળવીને અપહરણ કરી લઈ જઈ શારીરિક સંબંધ બાંધવાના ગુનામાં ભુજની વિશેષ પોક્સો કૉર્ટે પંચમહાલના યુવકને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા સાથે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બનાવ અંગે ૧૮-૧૧-૨૦૨૧ના રોજ મુંદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના બે દિવસ અગાઉ ભોગ બનનાર કિશોરી ભોરાર ગામની વાડીએ કામ કરતી હતી ત્યારે ઈશ્વર ઊર્ફે અજય દીપસિંહ નાયકા (ઉ.વ.૨૩) તેની પાસે આવ્યો હતો. ઈશ્વરે કિશોરીને તું મારી સાથે ચાલ, આપણે ભાગી જઈએ અને તું નહીં આવે તો હું દવા પી જઈશ તેમ કહીને પોતાની સાથે આવવા મજબૂર કરી હતી. કિશોરી સાથે છકડામાં બેસીને તે ભુજ આવેલો અને ભુજથી એસટી બસ મારફતે તે જૂનાગઢમાં મિત્રની વાડીએ પહોંચ્યો હતો. વાડીમાં બે દિવસના રોકાણ સમયે તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ગુનાના સમર્થનમાં ફરિયાદ પક્ષે રજૂ કરેલાં ૨૧ પૂરાવા અને ૭ સાક્ષીઓને તપાસીને આજે પોક્સો કૉર્ટના ખાસ જજ વિરાટ એ બુધ્ધે તેને ઈપીકો કલમ ૩૭૬ હેઠળ દોષી ઠેરવી ૧૦ વર્ષનો કારાવાસ અને બે લાખના દંડની સજા ફટકારી છે.
બે લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનાર પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.
Share it on
|