કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના મમુઆરાની ફેક્ટરીમાંથી ૨૮.૭૬ લાખની ચાયના ક્લે ખરીદી કર્યાં બાદ પેમેન્ટની ‘ટોપી’ ફેરવી ભાગી ગયેલા ૬૨ વર્ષિય સૂત્રધાર અશોક જેન્તીલાલ મહેતાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે. અશોક મહેતા અને તેના મોરબીસ્થિત અન્ય ત્રણ પાર્ટનરો વિરુધ્ધ ૨૦-૦૩-૨૦૨૪ના રોજ પધ્ધર પોલીસ મથકે મમુઆરાના દામજી જાટીયાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અશોક મહેતાએ મે ૨૦૨૨માં ચાયના ક્લેની ખરીદી કરીને દામજી જાટીયાને ૨૮.૭૬ લાખ રૂપિયાનો ચેક લખી આપેલો જે બાઉન્સ થયો હતો.
દામજીએ અશોક વિરુધ્ધ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળે ભુજ કૉર્ટમાં કેસ દાખલ કરેલો પરંતુ અશોક મહેતાનો કોઈ અતોપત્તો મળ્યો નહોતો અને આરોપી સતત નાસતો ફરતો રહ્યો હતો.
કૉર્ટની મૌખિક સૂચનાના પગલે દામજીએ અશોક અને તેના પાર્ટનરો સહિત ચાર વિરુધ્ધ પધ્ધરમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ સમયે અશોકે પોતે અમદાવાદના બોપલમાં રહેતો હોવાનું જણાવેલું પરંતુ ત્યાં તેનો કોઈ અતોપત્તો મળતો નહોતો. હ્યુમન અને ટેકનિકલ સોર્સથી અશોક નવી મુંબઈના વાસીમાં રહેતો હોવાનું જાણવા મળતાં LCBએ ત્યાં જઈ તેને ઝડપી લીધો છે.
ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૪માં ભુજ સેશન્સ કૉર્ટે અશોકની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
LCB પીઆઈ સંદિપસિંહ ચુડાસમા અને પીએસઆઈ એચ.આર. જેઠી, વાય.કે.પરમારના માર્ગદર્શનમાં એલસીબી સ્ટાફે સફળ કાર્યવાહી કરી છે.
Share it on
|