કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૨૦ માર્ચની રાત્રે ભુજના જ્યુબિલી સર્કલ નજીક અગાઉના ઝઘડાની અદાવતમાં થાર જીપમાં આવેલાં ચાર શખ્સોએ યુવકની હત્યા કરવાના ઈરાદે જીવલેણ હુમલાના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ બે યુવકોને રાજસ્થાનથી પકડી લાવી છે. ગુરુવારની રાત્રે ૧૧ના અરસામાં યોગેન્દ્રસિંહ સોઢા અને તેના પિતરાઈ ભાઈ હરપાલસિંહ પર ધારિયા અને છરી સાથે ઘાતક હુમલો કરેલો. યોગેન્દ્રસિંહ સોઢાને છરીના બેથી ત્રણ ઘા મારી હત્યાનો પ્રયાસ કરનારા ચારે આરોપી ગુના બાદ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી વિકાસ સુંડાએ ગમે તે ભોગે આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબીને ટાસ્ક સોંપ્યું હતું. એલસીબીની તપાસમાં જુવાનસિંહ બનેસંગ સોઢા (ઉ.વ. ૨૮, રહે. માધાપર) અને સત્યરાજસિંહ ઉમેદસંગ વાઘેલા (ઉ.વ. ૨૪, કેપિટલ પ્લાઝા, મહાદેવ નાકા, ભુજ મૂળ રહે. માંજુવાસ, રાપર) થાર ગાડીમાં રાજસ્થાન નાસી ગયાં હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે તેમનું પગેરું દબાવીને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના ઝુંઝાણી ગામથી બેઉને થાર જીપ સાથે ઝડપી પાડ્યાં છે. જો કે, ગુનાના બે મુખ્ય આરોપી અક્ષયરાજસિંહ વાઘેલા અને છરી મારનાર ભાવેશ ગોસ્વામી હજુ ફરાર છે.
બેઉ વિશે અતોપત્તો આપવા પોલીસે જાહેર અનુરોધ કર્યો છે. આરોપીઓને પકડવામાં પીઆઈ સંદિપસિંહ ચુડાસમા, પીએસઆઈ એચ.આર. જેઠી, એએસઆઈ પંકજ કુશ્વાહા વગેરે સ્ટાફ જોડાયો હતો.
Share it on
|