કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ૨૫ વર્ષિય અપરિણીત યુવકને પરિણીતા સાથેના ફોટોગ્રાફના આધારે હની ટ્રેપ કરી ૨૨ લાખ રૂપિયા પડાવવાના ગુનામાં નાસી ગયેલી મુસ્કાન ઊર્ફે શહેનાઝ અને તેના પતિ મામદની LCBએ વડોદરાથી ધરપકડ કરી છે. ગત ૧૭ માર્ચે મુસ્કાન સહિતના પાંચ આરોપીઓ સામે ભુજ એ ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કર્યાં બાદ મુસ્કાન પતિ મામદ ઈસ્માઈલ નોડે જોડે કચ્છ છોડી ફરાર થઈ ગઈ હતી. રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી વિકાસ સુંડાની સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ ફરાર યુગલને દબોચી લેવા એક્ટિવ થઈ હતી. બેઉ જણ ગાંધીધામના કિડાણામાં આવેલી જગદંબા સોસાયટીના રહેવાસી છે.
મુસ્કાન ઈન્સ્ટાગ્રામ પર પરિચય કેળવી, યુવકને ભુજના હિલ ગાર્ડનમાં ફરવા લઈ ગઈ હતી. બગીચામાંથી પરત ફરતી વેળા કાવતરામાં સામેલ ભુજના નગરસેવક અબ્દુલ્લ હમીદ સમાએ બેઉનો ફોટો પાડી દીધો હતો.
ત્યારબાદ, પતિ મામદને ખબર પડી જતાં પોતાને ઘરમાંથી કાઢી મૂકી હોવાનું નાટક રચીને આ ટોળકીએ ટૂકડે ટૂકડે યુવક પાસેથી બાવીસ લાખ પડાવ્યાં હતાં. આ ગુનામાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તરત જ અબ્દુલ્લ હમીદ સમા, સરફરાઝ ખાટકી અને પોલીસ બનીને યુવકને ફોન કરનાર મુંદરાના કોંગ્રેસી નેતા હરિસિંહ ધનુભા જાડેજાની ધરપકડ કરી હતી. મુસ્કાન અને મામદે આ રીતે અન્ય કેટલાં લોકોને શિકાર બનાવ્યાં છે તે સહિતની પૂછપરછ તપાસ હાથ ધરાઈ છે.
Share it on
|